લુણાવાડા,
લુણાવાડા તાલુકાની આંગણવાડી કેન્દ્રો પાછળ વર્ષે દહાડે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં પણ તંત્રની બેદરકારીથી તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં પોલમપોલ જોવા મળી રહ્યુ છે. આંગણવાડીઓ સમયસર ખુલતી ન હોવાથી તો મોટાભાગની આંગણવાડીઓમાં તેડાગર બહેનો જ કામકાજ સંભાળતી હોવાનુ જાણવા મળ્યુ છે.
લુણાવાડા તાલુકામાંથી નાના ભુલકાઓને પોૈષ્ટિક આહાર, કુપોષણ અને અક્ષરજ્ઞાન મળે તે માટેના હેતુથી ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રો શરૂ કરાયા હતા. પરંતુ આઈ.સી.ડી.એસ.વિભાગ દ્વારા સંચાલિત આંગણવાડી કેન્દ્રોના નાના બાળકોને પોૈષ્ટિક આહાર સહિતની વસ્તુઓથી વંચિત રહેવુ પડે છે. સવારના 9.30 થી 3 વાગ્યા સુધી આંગણવાડી કેન્દ્રો ખુલ્લા રાખવાના હોય છે. પરંતુ મોટાભાગના કેન્દ્રો સમયનુ પાલન થતુ ન હોવાનુ જોવા મળી રહ્યુ છે. બાળકોને ગળ્યા પુલ્લા, ઈડલી, દુધીના ઢેબરા અને મુઠિયા સહિતના અન્ય પોૈષ્ટિક આહારનુ વિતરણ કરવાનુ હોય છે. પરંતુ મોટાભાગની આંગણવાડી કેન્દ્રો પર સુકો-લીલો નાસતો અને બિસ્કિટ જ આપવામાં આવે છે. દર મહિને ખોટે ખોટા બિલો મુકવામાં આવે છે. જેને લઈને લુણાવાડા તાલુકાના જાગૃત વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. તંત્ર સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા આકસ્મિક મુલાકાત લઈ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.