લુણાવાડા પંચશીલ હાઈસ્કુલ પરીક્ષા કેન્દ્ર ખાતે કલેકટર અને જીલ્લા શિક્ષણાધિકારી હાજર રહી પરીક્ષાર્થીઓને મુલાકાત

મલેકપુર, રાજ્યભરમાં આજથી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે મહીસાગર જીલ્લામાં કલેકટર નેહાકુમારી, જીલ્લા શિક્ષણાધિકારી નરેશ મુનિયાએ લુણાવાડાની પંચશીલ હાઇસ્કુલ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર ખાતે કુમકુમ તિલક કરી તેમજ સાકર,ચોકલેટ મો મીઠું કરાવી પેનથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જીલ્લા કલેકટર પરીક્ષાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી આત્મ વિશ્વાસથી પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યાં હતા. પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવવા મુળજીભાઈ રાણા, પૂર્વ પાલિકા પ્રમુખ ભાવનાબેન મહેતા સહિત ભાજપ સંગઠન આગેવાનો તેમજ સામાજીક, શૈક્ષણિક અને રાજકીય અગ્રણીઓ જોડાયા હતા. મહીસાગર જીલ્લામાં ધોરણ- 10 માં 19594 અને ધોરણ- 12માં 12029 મળી કુલ 31623 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જીલ્લા વહીવટી તંત્ર તરફથી સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. જીલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.