મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં નિયમ વિરુદ્ધ ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો છે.શહેરમાં મોટાભાગની બિલ્ડિંગોની બી.યુ.પરમીશન નથી. તેમજ 99 ટકા બિલ્ડિંગો નિયમ પ્રમાણે પાર્કિંગની વ્યવસ્થા નથી. જેને લઈ શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે.
તેવામાં નગરપાલિકા વિસ્તારમાં દરકોલી દરવાજા પાસે સર્વે નં.-5140 પૈકીમાં રજાપાસમાં મંજુર થયેલ નકશા મુજબ બેઈઝમેન્ટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવાની હોય એની જગ્યાએ બેઈઝમેન્ટ કર્યા સિવાય ગ્રાઉન્ડ ફલોરથી બાંધકામ કરેલ છે. તેમજ સદર પ્લોટની ઉતરે જુની દુકાનોને ઉતારીને નવીન બાંધકામ કરી રહ્યા છે. જે મળેલી રજા પાસ અને નકશા વિરુદ્ધનુ ગેરકાયદે છે. આ બિલ્ડિંગના પ્લોટની એકપણ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા નથી.
તેમજ બિલ્ડિંગમાં 70થી વધુ દુકાનો અને બે સિનેમાં બનાવવામાં આવી છે. જેની કેપેસિટી પ્રમાણે પાર્કિંગ નથી. જેને લઈ લુણાવાડા નગરપાલિકા દ્વારા શબ્બીરભાઈ કુતબભાઈ બોરીયાવાલા, મુરતજા કુતુબભાઈ બોરીયાવાલા, અને મુનીરા કુતુબભાઈ બોરીયાવાલા એન.એસ.ટોકીઝનુ બિલ્ડિંગ બનાવે છે. જેમને નોટિસ આપી પાર્કિંગની વ્યવસ્થા માટે દિ-3માં ખુલાસો આપવામાં આવ્યો હતો.જેને બે મહિનાથી વધુનો સમય થયો હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે જાગૃત અરજદાર દ્વારા આક્ષેપ સાથે કલેકટર કક્ષાએથી યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.