લુણાવાડા,લુણાવાડા પાલિકા તંત્રની હલકી ગુણવત્તાવાળી ગટર અંગે કોઈ કાર્યવાહી ન કરાતા અનેક વાહનો ગટરમાં ખાબકતા હોવાના બનાવો છે. હાઈવે પર તુટેલી ગટરમાં વાહનો ઉતરી પડવાના બનાવોની સંખ્યા વધી છે. ત્યારે આ તુટેલી ગટરના કારણે અકસ્માત સર્જાવાની ભિતી સેવાઈ રહી છે.
મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે લાખો રૂપિયાના ખર્ચે નગરપાલિકાના દ્વારા ગોધરા હાઈવે ઉપર માર્કેટિંગ યાર્ડના દરવાજાથી પાનમ સ્મશાન સુધીના માર્ગ પર અંદાજિત 500 મીટર લંબાઈની સ્ટોર્મ વોટર ડ્રેનેજ બનાવવામાં આવી છે. આ ગટરનુ કામ કોન્ટ્રાકટર દ્વારા તદ્દન હલકી ગુણવત્તાનુ બનાવવામાં આવ્યુ હોવાના આક્ષેપો નગરજનો દ્વારા કરાઈ રહ્યા છે. આ ગટરલાઈન અનેક જગ્યાએ બેસી ગઈ છે. જેમાં ગાડીઓ ફસાવાના બનાવો અવાર નવાર બનતા હોય છે. જેના કારણે વાહનચાલકોને નુકસાની વેઠવી પડે છે. તેમજ આસપાસના દુકાનદારોને વાહન ફસાય ત્યારે આખો દિવસ હેરાનગતિ વેઠવી પડે છે. આ ગટર લાઈનની કામગીરી સામે અનેક રજુઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરાતી નહિ હોવાની ફરિયાદો ઉઠી છે. પાલિકામાં હાલ વહીવટદારનુ શાસન છે. જેથી વહેલીતકે આ ગટરલાઈન બનાવવામાં આવે તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે.