લુણાવાડાની સમીર હોસ્પિટલ પાસે ગાડીના ડ્રાઈવરને ઝોંકુ આવતાં અકસ્માત સર્જાયો

લુણાવાડા,મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેર માંથી પસાર થતા હાલોલ-શામળાજી હાઇવે પર આજે અકસ્માતની ઘટના બની છે. વાપી તરફથી રાજસ્થાન તરફ એક મારૂતિ અર્ટીગા લઈને જઇ રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. હાલોલ-શામળાજી હાઇવે માર્ગ પર ગોધરા તરફથી મોડાસા તરફના રોડ પર જતા લુણાવાડાની સમીર સર્જિકલ હોસ્પિટલ પાસે આ ઘટના બની છે. પ્રાથમિક માહિતી મુજબ, ગાડીના ચાલકને ઝોકું આવી જતા હોસ્પિટલની દીવાલે ધડાકાભેર કાર ભટકાઈ હતી અને તુરંત જ આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. જ્યાં લોકોએ કારમાંથી તમામ લોકોને બહાર કાઢ્યા હતા. બીજી તરફ અકસ્માતના પગલે ટ્રાફિકજામ પણ થયો હતો. જેથી ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકજામને દૂર કર્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત પરિવારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. કારમાં નાની બાળકી સહિત પાંચ લોકો સવાર હતા. ત્યારે સદ્દનસીબે સમગ્ર પરિવારનો આબાદ બચાવ થયો છે અને નાની મોટી ઇજાઓ પહોંચી છે. લુણાવાડા શહેરની સમીર સર્જિકલ હોસ્પિટલ પાસે આગાઉ પણ અકસ્માત સર્જાયા છે. પહેલા પણ આજ જગ્યા પર ટ્રક અથડાઈ હતી અને દીવાલને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે ફરી એકવાર આજ સ્થળે કાર ભટકાતા હોસ્પિટલના દરવાજા પાસેની દીવાલ તૂટી ગઈ છે. જ્યારે મારૂતિ આર્ટીગાના કારને પણ આગળની બાજુ બોનેટને નુકશાન પહોચ્યું છે. જ્યારે આગળનું એક વ્હિલ પણ બેન્ડ વળીને તૂટી ગયું. જ્યારે આગળની બંને એર બેગ પણ ખુલી ગઈ હતી. જેથી ચાલક અને બાજુમાં બેસેલ વ્યક્તિને વધુ ઇજાઓ માંથી બચાવ્યા છે.