મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઉંટડી ગામે રહેતા નિમેશકુમાર લલ્લુભાઈ પટેલ ઉંદરા પાટીયા પાસે મારૂતિ નંદન સીડ્સ એન્ડ પેસ્ટી સાઈડ્સ એગ્રોની દુકાન ચલાવે છે. રાત્રિ દરમિયાન નિમેશભાઈની દુકાનને તાળા તોડીને તસ્કરોએ બિયારણ તથા ખાતર મળી કુલ રૂ.1.82 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ કોઠંબા પોલીસ મથકે નોંધાવવા પામી હતી. આ અંગે પોલીસને બાતમી મળી હતી કે, આરોપીઓ પ્રતિકકુમાર બળવંતસિંહ પરમાર તથા જીમીતકુમાર પંકજભાઈ ઠાકોર(પરમાર), (બંને રહે.બોર તા.વિરપુર,)એ ઉંદરા પાટીયા પાસેની દુકાનમાં બિયારણ તથા દવાની ચોરીનો કેટલોક મુદ્દામાલ સુલતાનપગીના મુવાડા ગામે મુકી રાખેલ છે તેવી બાતમીના આધારે પોલીસે છાપો મારીને 23,440/-રૂ.નો ચોરી કરેલ જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ નામ ખુલતા ગભલાવાડા ગામનો સંજય ઉર્ફે શેઠિયો નામના આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવતા રિમાન્ડ દરમિયાન વધુ બે આરોપીઓના નામો ખુલતા બંને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.