લુણાવાડાના સોનેલા નજીક કોલીયા સબ માઈનોર કેનાલ પર ભુમાફિયાઓ દ્વારા દબાણોની ભરમાર

લુણાવાડા, લુણાવાડાના સોનેલા નજીક કોલીયા સબ માઈનોર કેનાલ દિવસે ને દિવસે ગાયબ થઈ રહી છે. ભુમાફિયાઓ દ્વારા પુરાણ સહિતની જમીનની નીચે નાળા નાંખી જમીની કેનાલ હવે ગાયબ થઈ રહી છે. બીજી તરફ પાકા બાંધકામો પણ કરી દેવામાં આવ્યા છે. ખેડુતો માટેની જીવાદોરી એવી કોલીયા સબ માઈનોર કેનાલ હવે જમીન પરથી અદ્રશ્ય થઈ ગઈ છે. સરકારે સંપાદિત કરેલી જગ્યામાં ભુમાફિયાઓ દ્વારા ઠેર ઠેર દબાણો કરી દિવસે ને દિવસે દબાણ વધતુ ગયુ છે.

જે રીતે તંત્ર નોટિસ આપી રહ્યુ છે તે જ રીતે ભુમાફિયાઓ દબાણ પણ વધુ કરી રહ્યા છે. માટી પુરાણ કરી કેનાલને ગાયબ કરી દીધી છે. ડાબા કાંઠા કેનાલ વિભાગ દ્વારા માત્ર નોટિસો આપી સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી અનેક નોટિસો અપાઈ છે પણ કાર્યવાહી ન થવાને લઈ દબાણકર્તાઓની સંખ્યામાં વધારો થયો છે. તંત્ર નોટિસ આપી બાંધકામ ન કરવા સુચન કરવામાં આવે છે ત્યારે સોનેલાથી દલુંખડીયા સુધીમાં દબાણો પણ પુષ્કળ થયા છે. તંત્ર દ્વારા નોટિસ આપી કાર્યવાહી કેમ કરવામાં નથી આવી રહી તે એક મોટો સવાલ છે. ખેડુતો માટે જીવાદોરી સમાન કહી શકાય અને ખેડુતોને ખેતી માટે પાણી મળે તે માટે બનેલ કેનાલ હવે ભુતકાળમાં બની ગઈ છે. કોલીયા સબ માઈનોર કેનાલ હવે ભુમાફિયાઓના સકંજામાં હોય તેવુ પ્રથમ દ્રષ્ટિએ જોવા મળી રહ્યુ છે.

કારણ કે વહીવટી તંત્ર માત્ર નોટિસો આપી કાર્યવાહી કરતુ નથી તેથી દિવસે ને દિવસે દબાણો વધતા જાય છે. ત્યારે ઠાકોર નટવરલાલ, તેમજ સપના મારબલ જેવા લોકોને ડિસેમ્બરમાં વહીવટી તંત્ર દ્વારા નોટિસો આપી દબાણ ન કરવા માટે સુચનો કર્યા છે. ત્યારે અગાઉ પણ કેટલીય નોટિસો આપી ચુકેલ તંત્ર કયારે આ લોકો સામે લાલ આંખ કરી દબાણ દુર કરાવશે અને જગ્યા ખુલ્લી કરાવશે તે તો સમય જ નકકી કરશે.