લુણાવાડા,
લુણાવાડા તાલુકાના સેમારના મુવાડા ગામના બસ સ્ટેન્ડની છતમાંથી સળિયા બહાર આવી ગયા છે. આવા ખખડધજ બસસ્ટેન્ડ જર્જરિત થઈ તુટી પડે તેમ છે. કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા આ બસ સ્ટેન્ડની મરામત થાય તેવી માંગ ઉઠવા પામી છે.
સેમારના મુવાડા ગામે આવેલ બસ સ્ટેન્ડની બિસ્માર હાલતને લઈ ગ્રામજનો દ્વારા બસ સ્ટેન્ડનુ નવીનીકરણ કરવાની માંગ ઉઠી હતી. આમ જર્જરિત હાલતને કારણે ગત ચોમાસામાં પણ છતમાંથી પાણી ટપકવાને કારણે મુસાફરોને અનેક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આમ મુસાફરોની સુવિધા માટે બનાવેલા બસ સ્ટેન્ડ શિયાળાની ઠંડીમાં તેમજ ચોમાસામાં વરસાદી સમયમાં મુસાફરો અહિં ઉભા રહેતા હોય છે. ખખડધજ બની ગયેલા આ પીકઅપ સ્ટેન્ડમાંથી સળિયા બહાર આવી ગયા છે. છત પણ જર્જરિત થઈને તેમાંથી પણ સળિયા બહાર આવી ગયા છે. બસ સ્ટેન્ડની આગળનો તેમજ અંદરનો આરસીસી ભાગના પોપડા ઉખડી ગયા છે. જેથી આ પોપડાઓ અવાર નવાર નીચે પડવાની ધટનાઓ જોવા મળી રહી છે. બસ સ્ટેન્ડની અંદર સિમેન્ટના પોપડા તુટી જવાને કારણે સળિયા હવે દેખાવા માંડ્યા છે.જેથી કોઈ જર્જરિત ભાગ તુટી જાય અને કોઈ મુસાફરનો અકસ્માત થાય તેવી પરિસ્થિતિ સર્જાય તેમ છે. ગ્રામજનો દ્વારા વહેલી તકે બસ સ્ટેન્ડનુ નવીનીકરણ કરે તેવી માંગ ઉઠવા પામી છે.