લુણાવાડાના પાવાપુર ગામે કડાણા ડાબા કાંઠાની નહેર ઓવરફલો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા

લુણાવાડા,

લુણાવાડા તાલુકાના પાવાપુર ગામ પાસે કડાણા ડાબા કાંઠા નહેરના પાણી ખેતરોમાં ભરાઈ જતા ઉભા પાકને નુકસાન થવા પામ્યુ હતુ. પહેલા ખાતર માટે ધકકા ખાધા બાદ ખેતરમાં હવે નહેરના પાણી ભરાઈ જતા અંદાજે 5 થી 7 હેકટર જમીનના પાકને નુકસાન થતાં ખેડુતોમાં રોષ જોવા મળ્યો છે.

કડાણા ડેમમાંથી નીકળતી ડાબા કાંઠાની નહેરના પાણી ખેડુતોના ખેતરમાં ભરાયા હતા. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ઉભા પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.લુણાવાડાના પાવાપુર પાસે કડાણા ડેમમાંથી નીકળતી કડાણા ડાબા કાંઠા સબ માઈનોર કેનાલ ઓવરફલો થતાં માળિયા, કારવા ગામના ખેતરોમાં ઉભેલા પાકમાં પાણી ભરાઈ ગયા હતા. અવાર નવાર ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડુતોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખેતરોમાં પાણી ભરાવાને કારણે પાકને મોટાપાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે ખેતરમાં વાવેલા ધઉં અને ભણા સહિતના ઉભા પાકને પાણી ભરાઈ જવાથી નુકસાન પહોંચ્યુ છે. આ પંથકમાં આવેલા મોટાભાગના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. પાણી ખેતરોમાં ધુસતા અંદાજે 5 થી 7 હેકટરમાં ખેતીને નુકસાન થવાની ભિતી વચ્ચે ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આવી ધટના વારંવાર બનતી હોય છે નહેર ખાતાના ઈજનેર દ્વારા નકકર કામગીરી કરીને ખેડુતોને નુકસાન ન થાય તે માટે યોગ્ય પગલા લેવામાં આવે તે જરૂરી બન્યુ છે.