લુણાવાડાના નિકીતાબેનને પુત્રના ભણતરની ચિંતામાંથી મળી મુકિત, કાલ સુધી અશક્ય લાગતી બાબત આજે આંખ સામે જોઈ રહ્યા છે

  • RTE એક્ટ હેઠળ છેલ્લા બે વર્ષમાં મહીસાગર જીલ્લાની 136 શાળાઓમાં 646 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો
  • રાઇટ ટુ એજ્યુકેશન (RTE ) અંતર્ગત લાખો વિદ્યાર્થીઓના સપના પુરા થઇ રહ્યા છે
  • છેવાડાનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
  • મધ્યમવર્ગીય કુટુંબ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે, રાઇટ ટુ એજ્યુકેશન (RTE) યોજના

મહીસાગર, ગુજરાતમાં શિક્ષણને વધુને વધુ પ્રાધાન્ય આપવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલુ વર્ષ 2023-24ના બજેટમાં સૌથી વધુ રકમ શિક્ષણ માટે ફાળવવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના બીજા સત્ર દરમિયાન RTE એક્ટ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની વિગતો ગૃહમાં રજૂ કરવામાં આવી હતી. જે મુજબ મહીસાગર જીલ્લાની 136 શાળાઓમાં છેલ્લા બે વર્ષમાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ-2009 હેઠળ 646 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2021-22માં 66 શાળાઓમાં 352 વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક વર્ષ 2022-23માં 70 શાળાઓમાં 294 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.

બાળકના ભવિષ્યના ઘડતળ માટે શિક્ષણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને દરેક માં બાપ તેમને બાળકને સારૂં શિક્ષણ આપવા માંગતા હોય છે, જેના થકી તેનો બાળક ભણી ગણીને ખૂબ આગળ વધી શકે પણ અમુક મધ્યમ વર્ગીય પરિવાર તેમના બાળકને તેમની મનપસંદ શાળામાં આર્થિક મુંઝવણના કારણે એડમિશન અપાવી શકતા નથી.

જ્યારે રાજ્ય સરકાર દ્વારા આવા જ મધ્યમવર્ગીય બાળકોને શિક્ષણ મળી રહે તે માટે અને રાજ્યનો છેવાડાનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે કટિબદ્ધ છે. ગુજરાત એવું પ્રથમ રાજ્ય છે કે જે બાળકોને RTE હેઠળ પ્રવેશ આપ્યો હોય તેવા બાળકોના વાલીના ખાતામાં બાળકના ગણવેશ વગેરે માટે વર્ષમાં એક વાર રૂ. 3000ની રકમ ઓનલાઈન જમા કરવામાં આવે છે

આવા જ એક મહીસાગર જીલ્લાના લાભાર્થીના માતા નિકિતા બેન જણાવે છે કે મારા પતિ કરિયાણાની દુકાનમાં મજૂરી કરે છે, એક માત્ર કમાનાર હોવાથી અમારા પરિવારનું ગુજરાન સંપુર્ણ પણે તેમની કમાણી ઉપર નિર્ભર છે. રોજની જેટલી આવક થાય એટલી તો મકાન ભાડા અને ઘરખર્ચમાં જ પુરી થઈ જતી હોય છે, એવામાં અમારે અમારા બાળકને સારૂં શિક્ષણ આપવાનું વિચારતા પહેલા પણ વિચાર કરવો પડે. પરંતુ મા-બાપ છીએ દિકરાના ભવિષ્ય વિશે અમે નહીં તો કોણ વિચારશે, હંમેશા તેમના ભણતરની ચિંતા રહેતી, બીજાના બાળકને સારી સ્કુલમાં ભણવા જતા જોઈ બાળકને તે સ્કુલમાં એડમીશન કરાવવાનું મન પણ થતું પણ આર્થિક પરિસ્થિતી મનના આ વિચાર પર તરત જ જાણે લગામ મુકતી.

રાજ્ય સરકાર દ્વારા આરટીઈ (Right to education) હેઠળ ધોરણ-1થી આઠના ગરીબ પરિવારના બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ (School admission) આપવામાં આવે છે. આ વાતની અમને આમતો સમાચાર માધ્યમો અને અન્ય બાળકો થકી જાણતો હતી, પરંતુ સાક્ષર ન હોવાના કારણે આમાં કેમ આવેદન કરવું તે નહોતું સમજાતું, અંતે એક દિવસ સ્કુલના શિક્ષકને આ મુંજવણ જણાવતા તેમણે સમજણ પુરી પાડી. આજે અમે અમારા બાળકને આરટીઈ અંતર્ગત અન્ય બાળકોની સાથે લુણાવાડામાં સારી સ્કુલોમાંની એક એવીઆદર્શ વિદ્યાલયમાં મોકલીએ છીએ. સરકારની આ યોજનાના કારણે અમારી સૌથી મોટી મુશ્કેલી-મજબુરી-ચિંતા માંથી આજે મુક્તિ મળી છે, અમારૂં બાળક આજે ખુબ સારી રીતે ભણી રહ્યું છેં, નિરક્ષરતાના કારણે અમને ખ્યાલ ન આવે કે એ શું ભણી રહ્યો છે, પરંતુ અન્ય બાળકોના માતા-પિતાની સાથે જ્યારે અમે પણ વાલી મિટીંગમાં હાજર રહીએ ત્યારે તેમના શિક્ષકોના પ્રતિભાવ સાંભળીને જાણે ભવ સુધરી ગયો હોય તેવી અનુભુતિ થાય.