લુણાવાડાના કોઠંબામાં ગટર, પેવર બ્લોક અને રસ્તાની અધુરી કામગીરીને લઈ ગ્રામજનો મુશ્કેલીમાં

ખારોલ,લુણાવાડા તાલુકાના કોઠંબામાં રોડ અને ગટરની અધુરી કામગીરીથી ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તેમજ ખુલ્લી ગટરમાં પડી જવાની તથા અકસ્માતની દહેશત સેવાઈ રહી છે.

લુણાવાડા તાલુકાના કોઠંબા ગામે કોન્ટ્રાકટર દ્વારા છ મહિનાથી રોડ અને ગટરની કામગીરી અધુરી મુકી દેવામાં આવતા રાહદારીઓ, વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સાથે ગટરની કામગીરી પણ અધુરી મુકવામાં આવતા રાહદારીઓ અને સ્થાનિક ગ્રામજનોમાં અકસ્માતની દહેશત સેવાઈ રહી છે. રોડની કામગીરીમાં મટીરીયલ્સ પણ યોગ્ય ગુણવત્તા ન જળવાતા રોડ ઉ5રથી કપચી ઉખડવા લાગી છે. પોલીસ સ્ટેશન ચોકડીથી તળાવની પાળ સુધી આરસીસી રોડ અને ગટરની કામગીરી કરાઈ હતી. પરંતુ તેમાં હલકી કક્ષાનુ મટીરીયલ્સ વપરાયુ હોવાનો ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. પોલીસ સ્ટેશન ચોકડી પર કપચી અને રેતીના ઢગલા અને કામગીરી દરમિયાન પડેલા ખાડાઓથી રાહદારીઓ, વાહનચાલકો, દુકાનદારો તથા સ્થાનિક રહેવાસીઓ ધુળની ઉડતી ડમરીઓથી પરેશાન થઈ ગયા છે. બસ સ્ટેશન ઉપર ગલીમાં પણ ગટરની કામગીરી અધુરી રાખી ઢાંકણા નહિ લગાવતા ગટરની દુર્ગંધથી રહિશો પરેશાન થઈ ગયા છે. તેમજ સ્થાનિક બાળકો રમતા રમતા ગટરમાં પડે તેવી દહેશત સેવાઈ રહી છે. ત્યારે કોન્ટ્રાકટર સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરીને યોગ્ય પગલા ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.તેમજ ગટરના કામ અને પેવર બ્લોકનુ વહેલી તકે કામ પુર્ણ કરવાની પણ માંગ કરાઈ છે.