લુણાવાડાના કોઠંબા ગામે ટેકાના ભાવે ડાંગર ખરીદી કેન્દ્ર શરૂ કરવા માંગ

લુણાવાડા, મહિસાગર જિલ્લામાં ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં ડાંગર અને મકાઈનુ વાવેતર કરવામાં આવ્યુ છે ત્યારે ઉત્પાદનમાં વધારો થવાની શકયતાને લઈને સરકાર દ્વારા ડાંગર, મકાઈ અને બાજરીની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવા માટે જાહેરાત કરવામાં આવી છે.ઈચ્છુક ખેડુતોએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવાનુ નકકી કરતા ખેડુતોમાં ખુશી જોવા મળી હતી.

ખેડુતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ડાંગર માટે રૂ.436 થી 440 પ્રતિ મણ, મકાઈ માટે રૂ.418 પ્રતિ મણ, અને બાજરી રૂ.500 પ્રતિ મણના હાલની પરિસ્થિતિએ ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે જિલ્લામાં સોૈથી વધુ ડાંગર લુણાવાડા તાલુકાના કોઠંબા વિસ્તારમાં થાય છે. તેમજ ખેડુતોને 20 થી 30 કિ.મી.અંતર કાપી લુણાવાડા વેચવા જવુ પડે છે. જેને લઈ જિલ્લા ભાજપના મહામંત્રી રાવજીભાઈ પટેલ દ્વારા કોઠંબા ખાતે સરકારી ટેકાના ભાવે ડાંગર ખરીદી કરવા માટે કેન્દ્ર શરૂ કરવા સરકારને પત્ર લખી માંગ કરવામાં આવી છે.