લુણાવાડાના ધોડાના મુવાડામાં સ્મશાન જવાનો માર્ગ બનાવવા માંગ

લુણાવાડા, લુણાવાડા તાલુકાના દલવાઈ ગ્રામ પંચાયતમાં આવેલ ધોડાના મુવાડાથી સ્મશાન તરફ જવાનો દોઢ કિ.મી.ના બિસ્માર માર્ગથી ગ્રામજનો વર્ષોથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ માર્ગ પર પટેલની સાવલી, પગીયાની સાવલી, ધોડાના મુવાડા, એમ ત્રણ ગામનુ સ્મશાન આવેલુ છે. આસપાસના ખેડુતોને અવરજવરનો રસ્તો છે. દલવાઈ સાવલીના જાગૃત નાગરિક સાગર પંડ્યાની રજુઆત છે કે,આઝાદીના 75 વર્ષ પછી પણ આ માર્ગ બન્યો નથી. કાદવ-કિચડ વાળા આ રસ્તાના કારણે ચોમાસામાં અવર જવર કરવી ખુબ જ મુશ્કેલ બને છે. વરસાદ વરસતો હોય તેવા સમયે કયારેક ખેડુતોના વાહન સ્લિપ ખાઈ જતા નાના મોટા અકસ્માતોના ભોગ પણ બનવુ પડે છે. જેથી સત્વરે આ રસ્તો બનાવાય તેવી માંગ ઉઠવા પામી છે.