લુણાવાડા,
લુણાવાડા તાલુકાના ગેગડીયા ગામે રહેતા અશ્ર્વિન સબુર પ્રજાપતિએ તે જ ગામમાં રહેતા હસમુખ પટેલ પાસેથી ધંધો કરવા માટે ટુકડે ટુકડે આઠ લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ અશ્ર્વિન પ્રજાપતિ હસમુખ પટેલને માસિક વ્યાજ પણ ચુકવતા હતા. સાથે સાથે હસમુખ પટેલે અશ્ર્વિન પ્રજાપતિ અને તેમના પિતા સબુર પ્રજાપતિના બેંકના કોરા ચેક પણ લીધા હતા. પરંતુ તેમના બેંક ખાતામાં બેલેન્સ ન હોવાથી હસમુખ પટેલે અશ્ર્વિન પ્રજાપતિના મોટાભાઈ મુકેશ પ્રજાપતિ કે જે પોતે શિક્ષક છે અને જાફરાબાદ અમરેલી રહે છે. તેમને બોલાવીને ધાક ધમકીઓ આપી કે, તમારા ચેક નહિ આપો તો તમારા પિતા તથા તમારા ભાઈને સમાજમાં બદનામ કરીશ, તેમ કહી મુકેશ પ્રજાપતિના કોરા ચેક લઈ લીધા હતા. સમાજમાં બદનામી ન થાય તે ડરથી અશ્ર્વિન અને મુકેશ બંને વ્યાજ ચુકવતા રહ્યા તેમજ મુકેશ પોતે અવાર નવાર ઓનલાઈન પેમેન્ટ પણ કર્યુ અને અત્યાર સુધી આશરે બંને ભાઈએ ભેગા થઈને 17 લાખ જેટલા રૂપિયા ચુકવી દીધા હતા. છતાં હસમુખ પટેલે મુકેશ પ્રજાપતિને ધાક ધમકી આપી ગોધરા ખાતે આવેલ મકાનમાં રહેતા ભાડુઆ પાસેથી પણ ઓનલાઈન પેમેન્ટ પોતાના દિકરા યોગેશ પટેલના ખાતામાં નંખાવતો હતો. તેમજ આશરે દોઢ વર્ષ અગાઉ ધાકધમકી આપી મુકેશ પ્રજાપતિનુ ગોધરા ખાતેના મકાનનુ બાનાખત કરી સ્ટેમ્પ પર સહી પણ કરાવી લીધુ છે. લુણાવાડા પોલીસ મથકે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. હસમુખ પટેલ, મુકેશ પ્રજાપતિના ધરે જઈને અને ફોન કરીને ધાક ધમકી આપતો કે, તુ મને પંદર લાખ રૂપિયા આપી દે નહિતર બીજા મારફતે ચેક નાંખીને કેશ કરીને તારી નોકરી છોડાવી દઈશની ધમકી આપતા તેઓ ગભરાયા હોવાનુ મુકેશની પત્નિ પુષ્પા પ્રજાપતિએ ફરિયાદમાં નોંધાયુ છે.