લુણાવાડાના ચુંથાના મુવાડા ગામે મહિસાગર શાળા સંચાલક મંડળના કારોબારી સભ્યોની મીટીંગ મળી

મલેકપુર,મહીસાગર જીલ્લા શાળા સંચાલક મંડળના કારોબારી સભ્યની બેઠક તા.17-02-2024ને રવિવારના રોજ પ્રવીણ વિદ્યાલય ચુથાના મુવાડા ખાતે મળી. કોરમ થતા એસ. કે. પટેલ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને સભાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું . જેમાં નીચે જણાવ્યા મુજબ કાર્યવાહી થયેલ. સૌ પ્રથમ જીલ્લાના મહામંત્રી નરેન્દ્રસિંહ સિસોદીયા દ્વારા સૌ સભ્યોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું. તેમજ ભારતીય પરંપરા મુજબ શાળા પરિવાર તરફથી આચાર્ય બી.બી. વિરપુરા દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું .

આજની આ બેઠકમાં શિક્ષણની ચિંતા કરતાં સંચાલકો દ્વારા જીલ્લામાં આગામી સમયમાં યોજાનાર ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા હોઈ જે જીલ્લામાં શાંતિમય માહોલમાં સંપન્ન થાય તે માટે મહેરબાન કલેક્ટરને પત્ર પાઠવવાનું ઠરાવવામાં આવ્યું. તેમજ જીલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંકુલ થી 100 મીટર ત્રિજ્યા માં થતા ગુટકા તમાકુના વેચાણ પર પ્રતિબંધ મૂકવા કાયદેસર કાર્યવાહી થાય તેવો ઠરાવ કર્યો. જીલ્લા સમાહર્તાનું ધ્યાન દોરવા યોગ્ય કાર્યવાહી થાય તે માટે લેખિતમાં જાણ કરવાનું કરાવવામાં આવ્યું. આ સાથે જીલ્લા હોદેદારોની નવી નિયુક્તિ અને જવાબદારી નક્કી કર્યા બાદ જીલ્લાકક્ષાનું સંચાલકોનું સંમેલન રાખવા આગામી સમયમાં આયોજન કરવાની જવાબદારી સોંપવામાં આવી .

ઉપરોક્ત બેઠકને સફળ બનાવવા માટે પ્રવીણ વિદ્યાલય ચુથાના મુવાડા નાં શિક્ષકો દ્વારા સુચારૂ આયોજન કરવામાં મદદરૂપ થવા બદલ હાજર સૌ સભ્યો દ્વારા તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને બેઠક પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવી .