મલેકપુર, લુણાવાડા તાલુકાના ચપટીયા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી વિજય રાયજીભાઈ પટેલને ગામના રહિશે ફેંટ પકડીને ગેરકાયદે દબાણ બાબતે બોલાચાલી કરતા તલાટીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
તલાટી વિજય પટેલે કોઠંબા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ જણાવ્યુ હતુ કે,તેઓ ચપટીયા ગ્રામ પંચાયત કચેરીમાં હાજર હતા ત્યારે વરધરી વિસ્તરણ અધિકારી મીલનબેન સોમસિંહ રાઉલજીએ ફોન કરી ચપટીયા ગામના વનેશકુમાર મહેન્દ્રભાઈ પટેલે કલેકટર કચેરીમાં ચપટીયા ગ્રામ પંચાયતમાં ગોૈચરમાં થયેલ દબાણો દુર કરવા બાબતે સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હોવાથી તેમનુ નિવેદન લેવાનુ હોવાથી ત્યાં આવવા જણાવ્યુ હતુ. જેથી તેમણે વનેશકુમારને નિવેદન લેવા બાબતે ફોન કરી હાજર રહેવા જણાવ્યુ હતુ. ત્યારબાદ વરધરી વિભાગના વિસ્તરણ અધિકારી આવતા તેમની અને સરપંચ તથા ગામના પ્રવિણભાઈ ગોવિંદભાઈ પટેલ તથા અન્ય બે-ત્રણ રહિશો સાથે દબાણવાળી જગ્યાએ ગયા હતા જયાં વનેશકુમારે તેમને જોઈ દબાણ તને દેખાતુ નથી તુ મારી જોડે કેમ બોલાવે છે. જે ગોૈચરની જમીનનુ દબાણ કરેલ હોય તે જાતેથી જોઈ લેવુ હું કોઈના નામ નહિ આપુ, તમો તેમજ સરપંચ નામ લખાવશે. તેમ કહેતા તલાટીએ ગોૈચરની જમીનમાં દસ વર્ષ પહેલા ત્રણ મકાનનુ બાંધકામ થયેલ હોય તેને દુર કરવા માટેની કાર્યવાહીની ફાઈલ બતાવી અરજી બાબતે રજુઆત કરવી હોય તે વિસ્તરણ અધિકારીને જણાવ્યુ હતુ. જેથી વનેશ પટેલે તુ દબાણ કરેલ માણસોના નામ કેમ નથી આપતો તેમ કહી ગાળાગાળી કરી ફેંટ પકડી ઝપાઝપી કરી મારામારી કરી કડાછલા ગામની નોકરી નહિ કરવા દેવાની ધમકી આપી હતી. બનાવ અંગે લુણાવાડા તાલુકા પંચાયતના તલાટી મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને તેમજ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.