લુણાવાડામાં છ બંધ મકાનોના તાળા તોડી 7.38 લાખની ચોરી કરતા તસ્કરો

લુણાવાડા,

લુણાવાડા ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં તસ્કરોએ શિયાળાની કાતિલ ઠંડીમાં ઉત્તરાયણ પર્વે બહાર ગયેલા રહિશોના બંધ મકાનોને રાત્રિના અંધારામાં નિશાન બનાવતા છ મકાનોના તાળા તોડી રૂ.7.37 લાખથી વધુના સોનાના દાગીના રોકડ રકમની ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાવવા પામ્યો છે.

લુણાવાડા ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં 13મી જાન્યુઆરીએ રાત્રિ દરમિયાન અજાણ્યા ચોર ઈસમે રહિશોના મકાનોને રાત્રિના અંધકારમાં નિશાન બનાવી મકાનોના તાળા તોડી ફરિયાદી ગીરિશભાઈ જેઠાભાઈ પટેલ સહિત તેમના મકાન માલિક જયેશભાઈ પુનમભાઈ પટેલનુ મકાન તેમજ આ સોસાયટીના અન્ય રહિશ કનૈયાલાલ નર્મદશંકર જોશી, પાર્થ વિક્રમસિંહના મકાનોના તાળા તોડી મકાનોમાં મુકી રાખેલ કુલ મળી 15 તોલા 31 ગ્રામ સોનુ કિ.રૂ.6,53,000/-ના ચાંદીના દાગીના 200 ગ્રામ કિ.રૂ.9,400/-તથા રોકડા રૂ.75,000/-કુલ મળી રૂપિયા 7,37,900/-ની મત્તાની ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વધુમાં આ સોસાયટીમાં વાસુદેવ દેરાસરી અને ગિરીશભાઈ પંચાલના મકાનોમાં પણ ચોરી થઈ છે ત્યારે વિસ્તારમાં ચોરીના ભયે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે લુણાવાડા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવા સાથે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.