લુણાવાડા, લુણાવાડા જનરલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ પૈસાના અભાવે મફતમાં સારવાર કરાવવા માટે આવતા હોય છે. જનરલ વોર્ડ ફુલ થઈ જતાં દર્દીઓને લોબીમાં ખાટલા નાંખી સારવાર આપવામાં આવી રહી હતી. જેને લઈ દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. એકબાજુ આકારા તાપ અને અસહ્ય ગરમીની વચ્ચે દર્દીઓને બહારની લોબીમાં સુવડાવતા જનરલ હોસ્પિટલો સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જયારે સરકાર દ્વારા રૂ.33.16 કરોડના ખર્ચે 150 બેડની નવીન જનરલ હોસ્પિટલ બનાવી હતી. બે માસ અગાઉ તેનુ લોકાર્પણ પર નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યુ હતુ. તેમ છતાં હોસ્પિટલ દર્દીઓ માટે ખુલ્લી મુકવામાં આવી નથી. જુના બિલ્ડિંગની લોબીમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જે અંગેના અહેવાલો પ્રસિદ્ધ થતાં તાત્કાલિક મહિસાગર જિલ્લા કલેકટર નેહા કુમાર, પ્રાંત તથા મામલતદારે લુણાવાડા ખાતેની સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પાસેથી સારવાર અંગેની વિગતો મેળવી સેવાઓ અંગે સમીક્ષા કરી હતી. તેમજ આ બાબતે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ તેમજ તેમના સ્ટાફને ધટતી સુચના આપી હતી. વધુમાં નવનિર્મિત સિવિલ હોસ્પિટલ બિલ્ડિંગના પી.આઈ.યુ.(પ્રોજેકટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ)ના નાયબ ઈજનેરને તાત્કાલિક નવીન બિલ્ડિંગ સુપરત કરવા સુચના આપી હતી. પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં એક કમિટી બનાવી નવનિર્મિત બિલ્ડિંગ કાર્યરત થાય તેમજ દૈનિક મોનીટરીંગ થાય તે માટે સુચના તેમજ અમલવારી કરવા જણાવ્યુ હતુ.