લુણાવાડા ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા મહોત્સવ અંતર્ગત માતૃભાષા મહિમાગાનનો કાર્યક્રમ યોજાયો

મલેકપુર, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, મહિસાગર સાહિત્ય સભા અને લુણાવાડા જેસીઆઈના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા મહોત્સવ અંતર્ગત મળી માતૃભાષા મને ગુજરાતી માતૃભાષા મહિમાગાનનો કાર્યક્રમ લુણાવાડા બોરીયાવાલા હોલ ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ ધ્વનિ સંદેશના માધ્યમથી સૌને માતૃભાષા દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં નિબંધપુરૂષ તરીકે પ્રસિધ્ધ જાણીતા સાહિત્યકાર પદ્મ ડો. પ્રવીણ દરજીએ ગુજરાત સરકાર અને સાહિત્ય અકાદમીના ભાષા સંવર્ધનના પ્રયાસોની પ્રસંશા કરતાં અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં જાણીતા કવિઓ કુમાર જૈમીની શાસ્ત્રી, ગાયત્રી ભટ્ટ, માલિની ગૌતમ, ઝલક પટેલ અને નરેન્દ્ર જોશીએ કાવ્યપાઠ કરી માતૃભાષાનું ગૌરવગાન કરી શ્રોતાજનોને રસતરબોળ કર્યા હતા. આ કાર્યક્રમમાં જેસીઆઈ પ્રમુખ પ્રશાંત ગુર્જર, નગરના જાણીતા તબીબો, સાહિત્યપ્રેમી પ્રજાજનો, મહીસાગર સાહિત્યસભાના પ્રતિનીધીઓ, જેસીઆઈના સભ્યોએ મારા હસ્તાક્ષર મારી ભાષામાં કરવા સંકલ્પબધ્ધ થઇ માતૃભાષામાં હસ્તક્ષર કર્યા હતા અને કવિ સંમેલનને માણ્યું હતું.