- જીલ્લા પંચાયત પ્રમુખ, જીલ્લા વિકાસ અધિકારી સહીત મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી.
મલેકપુર, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કારીગરો આત્મ નિર્ભર બની પોતાનો વ્યવસાય શરૂ કરી રોજગારી પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા ઉદ્દેશ થી પી.એમ. વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત અલગ-અલગ 18 પ્રકારના કારીગરોની નોંધણીમાં મહીસાગર જીલ્લામાં અંદાજે વીસ હજાર જેટલું રજીસ્ટ્રેશન થયું છે. જેમાં વિવિધ નવ જેટલા તાલીમ કેન્દ્રો પર તાલીમ ચાલી રહી છે. આઈસેકટ પીએમ વિશ્ર્વકર્મા તાલીમ કેન્દ્ર ખાતે દરજી કામની તાલીમ પૂર્ણ થતા 300 થી વધુ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જીલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. તાલીમાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતાં જીલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી શરૂ થયેલ આ યોજના કારીગરોને તાલીમ આપી તેમના કૌશલ્યનો વિકાસ કરી તેઓના વ્યવસાયમાં આત્મનિર્ભર બનાવશે.
આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ, ભાજપ કાર્યાલય મંત્રી જીગર પંડ્યા, વિવેકાનંદ સંયોજક રાજપાલસિંહ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના તાંત્રિક મદદનીશ માનસીબેન પરમાર,સીએસસી મેનેજર ફેઝલ ખાતુડા, એલડીએમ પરેશ બારોટ, આઈસેકટ ગુજરાત સ્ટેટ હેડ પુર્વીશ પંડ્યા, પ્રોજેક્ટ હેડ રાહુલસિંહ, પ્લેસમેન્ટ હેડ ભાવેશ તોસવડા, આઈસેક્ટ પી.એમ. વિશ્વકર્મા તાલીમ કેન્દ્રના સંચાલક પ્રહલાદસિંહ ગોહિલ સહીત સંસ્થાના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ તાલીમાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તાલીમાર્થીઓ તાલીમ મેળવ્યા બાદ પોતાનો વ્યવસાય શરૂ કરી રોજગારી મેળવી આત્મનિર્ભર બનવા તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે લાભાર્થી પણ આ યોજનાથી ખુશ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.