લુણાવાડા કરણ બારીયાના મુવાડા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલે ડાઘુ બની જુગારધામ પર રેડ કરી 34 જુગારીયાઓને ઝડપ્યા

મલેકપુર, લુણાવાડા તાલુકાના કરણ બારીયાના મુવાડા ગામ પાસે સ્ટેટ મોનીટરીંગ સેલે ડાઘુઓના વેશમાં કુખ્યાત બુટલેગર નાસીરના જુગારના અડ્ડા પર રેડ કરી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભાજપના એક નેતા સહિત 34 જુગારીયાઓને સ્થળ પર ઝડપી પાડ્યા હતા. જયારે 60 ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતી. એસએમસીએ કુલ રૂ.3.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર કરણ બારીયાના મુવાડા ગામ પાસે વેશપલટો કરીને સ્મશાનયાત્રામાં આવ્યા હોય તેવો ડાઘુઓનો વેશ ધારણ કરીને વીજીલન્સના પોલીસ કર્મચારીઓએ પીકઅપ ડાલામાં આવીને કુખ્યાત બુટલેગર નાસીરના જુગારના અડ્ડા પર રેડ કરી હતી. રેડ થતાં જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે પોલીસે 34ને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જેમાં ઈમરાન ઉર્ફે બાબુ બિસ્મીલ્લાહખાન પઠાણ(રહે.વાંસીયા તળાવ, લુણાવાડા), ફીરોઝખાન હસનખાન પઠાણ(રહે.પાણપુર, તા.હિંમતનગર), નુરમોહંમદ અબ્દુલભાઈ વોરા(રહે.ખોલવાડ પરબડા,તા.હિંમતનગર),અને શહેરા ભાજપનો નેતા તેમજ પાલિકાનો પુર્વ ઉપપ્રમુખ પ્રદિપ પદવાનીનો સમાવેશ થાય છે.

પંચમહાલ જિલ્લાના મોટા જુગારધામ પર લુણાવાડા ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, વડોદરા જિલ્લો, સાબરકાંઠા, મોડા, અરવલ્લી જિલ્લા ઉપરાંત રાજસ્થાનના ડુંગરપુરથી જુગારીઓ રમવા માટે આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. ફરાર આરોપીઓમાં જુગારધામનો સંચાલક નાસીબ અબુબક્ર આરબ(રહે.બેડા ફળિયુ, લુણાવાડા), પાર્ટનર અહેમદ હાજી(રહે.કડીયાવાડ ગોધરા), જગ્યાનો માલિક મનહરગીરી સોમગીરી ગોસાઈ(રહે.ચાવડીયા, લુણાવાડા) સહિત 60 શખ્સો ફરાર થઈ ગયા હતા. વીજીલન્સે સ્થળ પરથી રોકડ રૂ.1.41 લાખ, 25 મોબાઈલ અને વાહનો મળી કુલ રૂ.3.40 લાખનો મુદ્દામાલ કબ્જે કરી લુણાવાડા પોલીસ સ્ટેશનને આગળની વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા હતા.