લુણાવાડા ઇન્દિરા મેદાન ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા Y20 ગુજરાત યુવા સંવાદ યોજાયો

લુણાવાડા,સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા મહીસાગર જીલ્લાના દરેક તાલુકા અને નગર વિસ્તાર મળીને 09 જગ્યાએ વિવિધ પાંચ વિષયો પર Y20 ગુજરાત યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે પ્રથમ કાર્યક્રમ લુણાવાડા ઇન્દિરા મેદાન ખાતે યોજાયો. જેમાં આર.એસ.એસ. નગર કાર્યવાહ વક્તા ધવલ પંચાલે આરોગ્ય સુખાગારી અને રમત ગમત: યુવાનો માટે કાર્યસુચી વિષય પર યુવાનો સાથે સંવાદ સાધ્યો હતો. યુવાઓમાં રમતગમત નિત્ય વ્યાયામ અને વ્યસનમુક્તિ વિષે સમજ આપી તેમના મૂંઝવતા પ્રશ્ર્નો વિષે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ યુવા સંવાદ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક, પૂર્વ જીલ્લા ભાજપ મહામંત્રી મૂળજીભાઈ રાણા, શૈક્ષિક સંઘના પ્રદીપભાઈ પટેલ યુવા બોર્ડના હોદ્દેદારો જૈનિશ મોચી, સતીશ સોની તથા જીલા સંયોજક કમલેશભાઇ મછાર સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મયુર પંચાલે કર્યું હતું. જીલ્લામાં પ્રથમ કાર્યક્રમની સફળતાથી ખૂબ ઉત્સાહિત યુવાનોએ યૂથ ટોકના સ્પેશિયલ પોસ્ટર સાથે ફોટો ક્લિક કર્યો હતો.

આગામી સમયમાં જીલ્લામાં(1) ભવિષ્યનું કાર્ય: ઉદ્યોગ 4.0, ઇનોવેશન અને 21મી સદીની કુશળતા (2) આબોહવા પરીવર્તન અને આપત્તી જોખમમાં ધટાડો: સ્થિરતાને જીવનનો માર્ગ બનાવવો (3) વહેંચાયેલ ભવિષ્ય : લોકશાહી અને શાસનમાં યુવા (4) શાંતિ નિર્માણ અને સમાધાન : યુદ્ધ ન થવાનાં યુગની શરૂઆત અને (5) આરોગ્ય સુખાગારી અને રમત ગમત : યુવાનો માટે કાર્યસુચી સહિતનાં વિષયો ઉપર જીલ્લામાં 5000 થી વધુ યુવાનો અને યુવતીઓ youth talk માં ભાગ લઈ સંવાદનું આયોજન યુવા બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાત સંવાદમાં મોબાઈલ નં. 8401400400 ઉપર મિસકોલ કરીને જોડાઈ શકાય છે. આ youth talk માં જુદા જુદા વિષયોનાં નિષ્ણાંતો અને અનુભવી વક્તાઓ સાથે ટુ વે કમ્યુનિકેશન દ્વારા સંવાદ કરવામાં આવી રહ્યો છે. યુવાનોના શ્રેષ્ઠ વિચારોને રાષ્ટ્રીય મંચ પર ઉપસ્થિત થવામાં ગુજરાત સંવાદ માધ્યમ બનશે. સંવાદમાં ભાગ લેનારા દરેક યુવાનોને ઓનલાઈન ગવર્મેન્ટ સર્ટિફિકેટ મળશે.

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મહીસાગર જીલ્લોના સંયોજક કમલેશભાઈ મછારના જણાવ્યા અનુસાર આ Ap youth talk માં વધુમાં વધુ યુવાનો જોડાય એ હેતુ વિવિધ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત શાળા, કોલેજ, કોચિંગ ક્લાસિસ, કમ્પ્યુટર ક્લાસિસ, એનએનએસ, એનસીસી, આઈટીઆઈ તથા વિવિધ સામાજીક સંગઠનો દ્વારા યુવાનોને માહિતિ આપવામાં આવી રહી છે.