લુણાવાડા ચારકોસીયાથી સંતરામપુર જતો માર્ગ બિસ્માર : વાહનચાલકો પરેશાન

લુણાવાડા નગરનો ચારકોસીયાથી તીરગરવાસ થઈ મધવાસ દરવાજા વાંસીયા તળાવ થઈને સંતરામપુર હાઈવે તરફ જતો રસ્તો ખખડધજ અને રસ્તા ઉપર ભુવા પડી જતાં વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે.

લુણાવાડા નગરના ગોધરા-મોડાસા હાઈવે પરના ચારકોસીયાથી મધવાસ દરવાજા, વાંસીયા તળાવ, કંકા તળાવ થઈને સંતરામપુર તરફ જતો રસ્તો છેલ્લા કેટલાક સમયથી ખખડધજ અને બિસ્માર થઈ ગયો છે. લુણાવાડા નગરમાંથી પસાર થતો આ રસ્તો ગોધરા-મોડાસા, અને સંતરામપુર-કડાણા હાઈવેને જોડે છે.

આ રસ્તાનો ઉપયોગ લુણાવાડાના નગરજનો જ નહિ પરંતુ વેરીના મુવાડા, આંકલવા, સાલેરા, ચોૈહાણના મુવાડા, સવારના મુવાડા જેવા નાના-મોટા ગામડાઓ અને સંતરામપુર, કડાણાથી લુણાવાડા, ગોધરા, મોડાસા, તરફ જતાં મુસાફરો ઉપયોગ કરે છે. હાલના સમયમાં આ રસ્તા પર મસ મોટા ખાડાઓના કારણે વાહનો કયાં ચલાવવો એ મોટો પ્રશ્ર્ન છે. જેથી પ્રજાને પડતી મુશ્કેલીઓને ઘ્યાનમાં રાખી સત્વરે આ રસ્તાની મરામત થાય તે જરૂરી બન્યુ છે.