મલેકપુર, લુણાવાડા નગરમાં સ્વચ્છતા અભિયાન માત્ર કાગળો ઉપર હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી લુણાવાડા નગરપાલિકામાં વહીવટદારનુ શાસન છે. પરંતુ સરકારી તંત્ર નગરની સુખાકારીની કાળજી લેવા સુદ્ધા તૈયાર નથી. અનેક વિસ્તારોમાં ગંદકીના સામ્રાજયોએ માઝા મુકી છે.
દેશભરમાં જયારે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે મહિસાગર જિલ્લાના વડામથક લુણાવાડામાં મચ્જરજન્ય રોગોએ માથું ઉંચક્યુ હોય તેવી પરિસ્થિતિનુ નિર્માણ થયુ છે. જેમાં પાલિકા તંત્રની બેદરકારી સામે આવી છે. આશ્રર્યની વાત એ છે કે,નગરના વિવિધ વિસ્તારોમાં કચરો એકત્ર કરવાના ક્ધટેનર લાંબા સમયથી નગરના બસ ડેપો પાછળના ભાગમાં પડેલ જોવા મળે છે. જેની આસપાસ કચરા અને ઉકરડાના ઢગલા જોવા મળે છે. જેની કેટલાય દિવસોથી સાફસફાઈ નહિ થતાં આ વિસ્તારમાં ઠેર ઠેર આ કચરો પવનથી ઉડીને તેમજ રખડતા પશુઓ દ્વારા ફેલાતો જોવા મળી રહ્યો છે. આ ક્ધટેનર અને અસહ્ય ગંદકીના કારણે આસપાસના રહિશોના આરોગ્યને પણ જોખમ રહેલ છે આ બાબતે અનેક મોૈખિક રજુઆતો કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.