લુણાવાડા,
આ કાર્યક્ર્મમાં આકરા તેવર દેખાડતા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જેઠાભાઈ વણકરે ભાજપને હરાવનાર ગદ્દારોને કોઈપણ સંજોગોમાં સાંખી નહીં લેવા તેમજ તેઓ સાથે કોઈપણ વ્યવહાર નહી રાખવા કડક સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભાજપ છોડી અપક્ષ ઉમેદવારી કરનાર જે.પી.પટેલ અને તેમને સમર્થન કરનાર ભાજપના કાર્યકરોને ગદ્દાર કહ્યા હતા અને પક્ષ દ્વારા આવા ગદ્દારોને પક્ષની બહારનો રસ્તો બતાવી પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. ત્યારે આવા ગદ્દારો ભાજપમાં પરત લેવા ન જોઈએ તેમની સાથે કોઈપણ પ્રકારનો સંબધ રાખવો જોઇએ નહી તેમજ આ ગદ્દારોનું ભાજપના કોઇપણ નેતાઓએ કોઈપણ કામ કરવું જોઈએ નહીં અને તેમનો આવનાર પાંચ વર્ષ સુધી ભાજપના કોઈપણ નેતાની ઓફિસમાં પગ પડવા દેવો જોઈએ નહિ તો જ આ ગદારોને ભાન થશે કે પક્ષ જોડે ગદ્દારી કરવી યોગ્ય નથી અને આવનાર સમયમાં કોઈ બીજો કાર્યકર પણ પક્ષ જોડે ગદ્દારી કરતા વિચાર કરશે. જો અત્યારથી જ ચેતીશું નહિ તો 2027માં પણ આજ પરિસ્થિતિનું નિર્માણ થશે અને ભાજપ લુણાવાડા બેઠક જીતી શકશે નહીં તો બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓના જે આધાર પુરાવા મળ્યા તેઓને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નિર્દેશ અનુસાર નિષ્કાસિત કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવુત્તિ કરનારાઓ માટે પક્ષમાં સ્થાન નથી તેમ જણાવ્યું હતું વધુમાં તેમણે પૂર્વ ધારાસભ્ય જીગ્નેશ સેવકને અટલજીની કાવ્યપંક્તિઓ સાથે હૈયાધારણ આપી હતી. વધુમાં લોકસેવાના તેમજ વિસ્તારના વિકાસકાર્યો માટે કાર્ય કરતા રહેવાના તેમના સંકલ્પને બિરદાવ્યો હતો તથા પૂર્વ ધારાસભ્યનું કાર્યાલય પ્રજાકીય કાર્યો માટે ધમધમતું રહેશે તેમ જણાવ્યું હતું.
પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ પટેલે મોદી યોગીને ચેલેન્જ ફેંકનારા અપક્ષ પૈસાના જોરે ખેલ કરી ગયા. જેને કારણે લુણાવાડા બેઠક ગુમાવવાનો વારો આવ્યો તેમ જણાવી સૌ કાર્યકરોને આ હારમાંથી શીખીને આગળ વધવા અનુરોધ કર્યો હતો.
પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ માલીવાડે વિસ્તારના વિકાસ માટે જ્યાં જરૂર જણાય ત્યાં ત્રણે પૂર્વ ધારાસભ્યો સાથે મળી કાર્ય કરીશું તેવી ખાતરી ઉચ્ચારી હતી.
પૂર્વ ધારાસભ્ય જીગ્નેશ સેવકે ચુંટણી હાર્યો છું પણ હિંમત હાર્યો નથી, તેમ જણાવી હરહંમેશ લોકોના કામો માટે તેમનું કાર્યાલય ખુલ્લું રહેશે તેમ જણાવી સૌ કાર્યકરોને દંડવત પ્રણામ કરી આભાર વ્યકત કરતાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ કાર્યકરોમાં ભાવુક લાગણીસભર દશ્યો સર્જાયા હતા.
જિલ્લા મહામંત્રીઓ, હોદ્દેદારો સહિત પદાધિકારીઓની ઉપસ્થતિમાં સમગ્ર કાર્યક્રમમાં કાર્યકરોનો આગામી સમયમાં નગરપાલિકા સહિતની ચુંટણીઓ આવી રહી છે ત્યારે ચુંટણી હરાવનાર પક્ષ વિરોધીઓને કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લેવાનો સૂર ઉઠ્યો હતો. સમગ્ર આભાર દર્શન કાર્યક્રમમાં ભાજપને હરાવનાર પક્ષ વિરોધીઓ વિરૂદ્ધ ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. અત્રે નોંધનીય છે કે, સમગ્ર ગુજરાતમાં રેકોર્ડબ્રેક વિજય મેળવી 156 વિધાનસભા બેઠક પર ભાજપનો વિજય થયો છે. ત્યારે મહીસાગર જિલ્લાની લુણાવાડા બેઠક પર જૂનો પંચમહાલ જિલ્લા હતો. ત્યારે બે ટર્મ પ્રમુખ રહેલા અને મહીસાગર જિલ્લા નવો બન્યા બાદ બે ટર્મ મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂકેલા જે.પી.પટેલે ભાજપ પક્ષ છોડી ભાજપ પક્ષના ઉમેદવાર જીજ્ઞેશ સેવક વિરૂદ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવતા લુણાવાડા બેઠક પર ભાજપમાં આંતરિક વિખવાદ થતા આ બેઠક પર ભાજપ અને અપક્ષ બન્નેને હરાવી કોંગ્રેસ પક્ષના ઉમેદવારે 26હજારથી વધુ મતોએ જીત મેળવી છે.