મહીસાગર જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી સ્વચ્છતા હિ સેવા અભિયાનનો પ્રારંભ થયો હતો.મહીસાગર જિલ્લા મથક લુણાવાડા શહેરમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી નરેશ મુનિયાના માર્ગદર્શનમાં વિવિધ ટીમો બનાવી સ્વચ્છતા અંતર્ગત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.લુણાવાડાના શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ મિત્રો દ્વારા સઘન સફાઈ હાથ ધરવામાં આવી છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લુણાવાડા નગરપાલિકા દ્વારા લુણાવાડાના વિવિધ વિસ્તારોમાં જ્યાં દુકાન સામે કચરો પડેલો હોય તેવા 36 દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો હતો.
પોતાની દુકાનોની આસપાસ સ્વચ્છતા પ્રત્યે ધ્યાન આપવામાં ન આવતું હોય તેવા બેદરકાર દુકાનદારોને પાવતી આપી 8200 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અને સ્વચ્છતા રાખવા તાકીદ કરવામાં આવી હતી. નગરપાલિકાની કડક કાર્યવાહીથી બેદરકાર દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે. સાથે લુણાવાડા નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે, જ્યાં ત્યાં કચરો ફેંકવો નહિ. આપના શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી બધાની છે.