- સગર્ભા બહેનોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી.
- સગર્ભા બહેનોને લોહતત્વ યુકત ખોરાકની કીટો આપવામાં આવી.
લુણાવાડા,
કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ અનુસાર આરોગ્ય કર્મીઓ જિલ્લાના તમામ નાગરિકોના આરોગ્યની સારસંભાળ રાખવાની સાથે અનેકવિધ ક્ષેત્રે કામ કરી રહ્યા છે.
જિલ્લાના આરોગ્ય વિભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉખરેલી ખાતે જિલ્લા કલેકટર આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ ગામના સરપંચની ઉપસ્થિતિમાં કોરાનાની ગાઇડલાઇનને અનુસરીને સગર્ભા બહેનો માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ સગર્ભા બહેનોના આરોગ્ય કેમ્પ દરમિયાન મેડીકલ ઓફિસર પંકજ દામા દ્વારા તમામ સગર્ભા બહેનોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં હેન્ડ વોશનું પ્રથમ પગલું, સગર્ભા બહેનોની ઉંચાઇ, વજન તેમજ લોહીની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત દરેક સગર્ભા બહેનોનું જઙઘ૨, ઇ.ઙ. અને માતાના ઉદરમાં રહેલ શિશુના ધબકારની ચકાસણી કરવામાં આવી હતી. જયારે ઓછી હિમોગ્લોબીન ધરાવતી બહેનોને આર્યન સુક્રોઝના ઇન્જેકશન આપવામાં આવ્યા હતા.
આ કેમ્પ દરમિયાન તમામ સગર્ભા બહેનોને સ્થાનિક ગ્રામ્ય કક્ષાએથી સરળતાથી લોહતત્વ યુકત ખોરાક શેમાંથી મળે જેનાથી શરીરમાં લોહીનું પ્રમાણ જળવાઇ રહે તેની સમજ આપવમાં આવી હતી. જયારે ગામના સરપંચ દ્વારા તમામ સગર્ભા બહેનોને લોહતત્વ યુકત ખોરાકની કીટ કે જેમાં મગ, ચણા અને ગોળ હતા તે આપવામાં આવી હતી.
આ સમગ્ર કેમ્પ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉખરેલીના તમામ આરોગ્ય કર્મીઓએ ઉપસ્થિત રહીને આરોગ્યલક્ષી જાણકારી આપી હતી અને સગર્ભા બહેનોને મદદરૂપ બન્યા હતા.
આ ઉપરાંત સગર્ભા બહેનો માટે સરકાર દ્વારા આપવામાં આવતી ૧૦૮ તથા ખિલખિલાટ એમ્બ્યુલન્સની સુવિધા અંગેની પણ સમજ આપવામાં આવી હતી.
હાલની કોરોનાની મહામારી દરમિયાન કોરોનાનું સંક્રમણ ન ફેલાય અને નાગરિકો સુરક્ષિત રહે તે માટે કોરોના વાયરસ સામે કેવી રીતે લડત આપી બચી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવાની સાથે કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે તમામને સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્કની ઉપયોગીતા અને સેનેટાઇઝરના ઉપયોગ વિશે તેમજ માસ્ક પહેર્યા વગર ઘરની બહાર ન નીકળવા અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા સમજાવવામાં આવ્યા હતા.