લુણાવાડા ખાતે કોવિડ-૧૯ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ

લુણાવાડા,
કોવિડ-૧૯ ની વૈશ્ર્વિક મહામારીને અનુલક્ષીને મહીસાગર જિલ્લામાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોના પોઝિટીવ દરદીઓની સારવારમાં ઓક્સિજનની જરૂરીયાતવાળા દરદીઓ માટે જિલ્લામાં પૂરતાં પ્રમાણમાં ઓક્સિજનના જથ્થાની ઉપલબ્ધિ માટે મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ રહ્યાં છે. પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડની ગ્રાન્ટમાંથી જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલ લુણાવાડાને પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટ ફાળવણી કરવામાં આવી હતી. આ ઓક્સિજન પ્લાન્ટ સફળતા પૂર્વક ઇન્સ્ટોલેશન થઇ જતાં આ ઓક્સિજન પ્લાન્ટ ખૂલ્લો મુકીને તેને કાર્યરત કરાયો છે.

કોરોના વાયરસની વૈશ્ર્વિક મહામારીથી સમગ્ર વિશ્ર્વ પરેશાન છે. આ વાયરસની બીજી લહેરમાં કોરોના સંક્રમણ આપણા જિલ્લામાં પણ વધ્યું છે ત્યારે આ કોરોના સંક્રમણ અટકાવવા તેમજ લોકોને મદદરૂપ થવા કોરોનાના કપરા સમયમાં કોરોના સંક્રમિત દર્દીઓને સૌથી મોટી જરૂરીયાત ઓક્સિજનની પડે છે. જે દર્દીઓને ઓક્સિજનની અછતના કારણે જે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જે પ્લાન્ટ કાર્યરત થવાથી જરૂરીયાતને પહોંચી વળતાં મહીસાગર જિલ્લા માટે આ પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટ રાહતરૂપ બનશે. આ કોટેજ હોસ્પિટલ ખાતે નિર્માણ પામેલ પી.એસ.એ પ્લાન્ટ હવામાંથી ઓક્શિજન ઉત્પાદન કરશે અને કાયમી ધોરણે આ પ્લાન્ટ ચાલું રહેશે. જેથી આગામી સમય માં કોવિડ દરદીઓ માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

મહીસાગર જિલ્લા આરોગ્ય અધિકારી એસ.બી.શાહના જણાવ્યા અનુસાર આ પ્લાન્ટ દ્વારા પ્રતિ મીનીટ ૧૪૦ લીટરની સ્પીડથી ઓક્સિજનનું ઉત્પાદન કરશે. તેમાં ૫૦૦ લીટરની ઓક્સિજન સ્ટોરેજ કેપેસીટી છે. લુણાવાડા ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ ખાતે હાલમાં આ પ્લાન્ટ દ્વારા ૧૭ જેટલાં બેડને ઓક્સિજનનો પુરવઠો ઉપલબ્ધ થશે. જેથી હોસ્પિટલ પર પડતો ઓક્સિજન પુરવઠા નો ભાર ઓછો થશે.