અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બાઈક પર આવેલા કેટલાંક અસામાજિક તત્ત્વોએ વસ્ત્રાલ વિસ્તારને રીતસરનું બાનમાં લઈને આંતક મચાવ્યો હતો. માથાભારે તત્ત્વોએ પોતાની ધાક જમાવવાના ઈરાદે વિસ્તારમાં 20 વાહનોમાં તોડફોડ કરી હતી. બાદમાં ગાળો બોલીને નાસી ગયા હતા. 15થી વધુ લોકોએ મોડીરાતે તોડફોડની ઘટનાને અંજામ આપતા પોલીસ દોડતી થઈ હતી. લોકો પણ ડરના માર્યા ઘરની અંદર જ પુરાઇ ગયા હતા. રામોલ પોલીસે સમગ્ર મામલે રાયોટિંગ સહિતની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી તક્ષશિલા સ્કૂલની પાછળ ઉમિયાનગર સોસાયટીમાં રહેતા જગદીશ ભલગામિયાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, ગત મોડીરાતે સોસાયટીના રહીશો પોત પોતાના ઘરમાં હતા ત્યારે બાઈકો પર કેટલાક શખસો તલવાર, ધોકા સહિતનાં હથિયારો લઈને આવી ગયા હતા. આ શખસો ગાળો બોલી રહ્યા હતા અને એકાએક વાહનોમાં તોડફોડ કરવા લાગ્યા હતા.
વાહનોના કાચ તૂટવાનો અવાજ આવતા લોકો દોડીને બહાર આવી ગયા હતા. પરંતુ કોઈ રહીશો લુખ્ખા તત્ત્વોનો સામનો કરવા ન ગયા. કારણ કે, તમામના હાથમાં હથિયાર હોવાના કારણે સોસાયટીના રહીશો પણ ચૂપચાપ જોઈ રહ્યા હતા. લુખ્ખા તત્ત્વો ગાળો બોલીને ઉપરાછાપરી વાહનોના કાચ ફોડી રહ્યા હતા.
કાચ ફોડી લીધા બાદ પોલીસ આવે તે પહેલાં લુખ્ખા તત્ત્વો નાસી ગયાં હતાં. સ્થાનિકોએ આ મામલે પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસને જાણ થતાં રામોલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિકોએ લુખ્ખા તત્ત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ કબજે કરીને તમામ ગુનેગારોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.