નવીદિલ્હી,
તામિલ નેતા એલટીટીઇ પ્રમુખ વેલુપિલ્લાઇ પ્રભાકરન અંગે તામિલ નેતાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. વર્લ્ડ તામિલ ફેડરેશનના અધ્યક્ષ પાઝા નેદુમારને જણાવ્યું હતું કે, મને આ જણાવતા આનંદ થાય છે કે, આપણા તામિલ રાષ્ટ્રીય નેતા પ્રભાકરન જીવિત છે અને તેમને ઠીક છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં, યોગ્ય સમયે પ્રભાકરન દુનિયાની સમક્ષ આવશે. પાઝા નેદુમારને જણાવ્યું હતું કે, મને આશા છે કે, આ સમાચાર એલટીટીઇ ચીફ વિશે ફેલાયેલી અટકળોનો અંત લાવી દેશે.
ઉલ્લેખનીય છે કે, તેઓ ટૂંક સમયમાં તમિલ જાતિની મુક્તિ માટે એક યોજનાની જાહેરાત કરવા જઈ રહ્યા છે. વિશ્ર્વના તમામ તમિલ લોકોએ એક થવું જોઈએ અને તેને સમર્થન આપવું જોઈએ. ૨૧ મે, ૨૦૦૯ના રોજ લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમના સ્થાપક વેલુપિલ્લઈ પ્રભાકરનને શ્રીલંકાના સૈન્ય દ્વારા ફાંસી આપવામાં આવી હતી. આ સાથે શ્રીલંકાના જાફના વિસ્તારને એલટીટીઈના આતંકમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. પ્રભાકરન માર્યા ગયા પછી, એલટીટીઈએ શરણાગતિની જાહેરાત કરી અને તેની બંદૂકોને શાંત કરી હતી.