લોથલમાં ભેખડ ધસી પડતા બે મહિલા અધિકારી દટાયા:એકનું ઘટના સ્થળે જ મોત, અન્યની હાલત ગંભીર

ગુજરાતનું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર ગણાતા લોથલમાં આજે ભેખડ ધસી પડતા બે મહિલા અધિકારીઓ દટાયા હતા. દિલ્હી અને ગાંધીનગરથી માટીના સેમ્પલ માટે ગયેલા બંને મહિલા અધિકારીઓ સેમ્પલ મેળવી રહ્યા હતા ત્યારે જ ભેખડ ધસી પડતા બંને દટાયા હતા. જેમાં એક મહિલા અધિકારીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્યની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.

અમદાવાદ જિલ્લાના લોથલમાં હાલ મેરિટાઈમ મ્યુઝિયમની કામગીરી ચાલી રહી છે. તેની નજીકમાં જ આવેલી જૂની સાઈટ પાસે રસ્તાનું કામ ચાલી રહ્યું હતું. મળતી માહિતી મુજબ દિલ્હીથી અધિકારી અને સ્ટુડન્ટ્સ માટીના સેમ્પલ માટે આવ્યા હતા. જેઓએ જેસીબીથી એક 15 ફૂટનો ખાદો ખોદાવ્યો હતો અને ત્યારબાદ તેમાં સેમ્પલ લેવા માટે ઉતર્યા હતા. આ સમયે જ ભેખડ ધસી પડતા બે મહિલા અધિકારી દટાયા હતા. જેની જાણ સ્થાનિકોને થતા ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ધોળકા અને અમદાવાદ ફાયરબ્રિગેડના ચાર વાહનો અને 15 જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ જે બે મહિલા અધિકારીઓ માટીના સેમ્પલ લેવા માટે ખાડામાં ઉતર્યા હતા તેમાં એક IITના અને અન્ય દિલ્હીના જીઓલોજિસ્ટ હોવાનુ સામે આવ્યું છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક મહિલા અધિકારીને બગોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે બગોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ત્રણ લોકો ગાંધીનગરના અને બે દિલ્હી IITના અધિકારીઓ આજે લોથલ પહોંચ્યા હતા. જ્યાં જૂના લોથલ પાસે ખાડા ખોદી માટીના સેમ્પલ કલેક્ટ કરી રહ્યા હતા. ત્યારે જ ખાડામાં કાદવના કારણે બંને મહિલા અધિકારી ખૂંપવા લાગ્યા હતા અને માથેથી ભેખડ ધસી પડતા બંને દટાયા હતા.

લોથલમાં ભેખડ ધસી પડતા જે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 23 વર્ષીય સુરભી વર્માનું મોત નિપજ્યું છે. જ્યારે 45 વર્ષીય યામા દિક્ષીત જે જીઓલોજીસ્ટ છે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.