લોરેન્સ બિશ્ર્નોઈ અને રોહિત ગોદારા ગેંગના ૧૩ સ્થળો પર દરોડા, ૭ આરોપીઓની ધરપકડ

જયપુર, રાજસ્થાન પોલીસે લોરેન્સ બિશ્ર્નોઈ અને રોહિત ગોદારા ગેંગ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ બે ગેંગ સાથે સંકળાયેલા કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે. બાતમીના આધારે ફલોદી પોલીસે કુલ ૧૩ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ફાલોદીના પોલીસ અધિક્ષક હનુમાન પ્રસાદે ગુનેગારો સામે કરવામાં આવેલી આ કાર્યવાહીની માહિતી આપી છે.તેમણે કહ્યું કે તેમની ધરપકડ માટે ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં પોલીસને સફળતા મળી હતી.

વાસ્તવમાં, રાજસ્થાન પોલીસે ફલોદી જિલ્લામાં અલગ-અલગ જગ્યાએથી લોરેન્સ બિશ્ર્નોઈ અને રોહિત ગોદારા ગેંગના સાત સભ્યોની ધરપકડ કરી છે. અધિકારીઓએ આ માહિતી આપી. આ બાબત અંગે ફલોદીના પોલીસ અધિક્ષક હનુમાન પ્રસાદે જણાવ્યું કે બાતમીના આધારે પોલીસે શુક્રવારે સવારે લોહાવત, ભોજાસર અને માટોરા સહિત અનેક વિસ્તારોમાં ૧૩ સ્થળોએ દરોડા પાડ્યા હતા. પ્રસાદે કહ્યું, ગુપ્ત માહિતીની પુષ્ટિ કર્યા પછી, અમે સવારે ૧૩ સ્થળોએ દરોડા પાડ્યા અને બિશ્ર્નોઈ અને ગોદારા ગેંગ સાથે સંકળાયેલા સાત સભ્યોની ધરપકડ કરવામાં સફળ રહ્યા.

એસપી હનુમાન પ્રસાદે વધુમાં જણાવ્યું કે પોલીસે ધરપકડ કરાયેલા ગુનેગારો પાસેથી બે વાહનો પણ જપ્ત કર્યા છે. આ બંને વાહનોમાં કોઈ નંબર પ્લેટ ન હતી. પ્રસાદે કહ્યું કે ધરપકડ કરાયેલા અપરાધીઓમાં લોહાવતનો કુખ્યાત ગુનેગાર મનીષ બિશ્ર્નોઈ પણ સામેલ છે. મનીષ વિરુદ્ધ ૨૭ કેસ નોંધાયેલા છે. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા છ ગુનેગારો સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં એકથી સાત ફોજદારી કેસ નોંધાયેલા છે. અધિકારીએ કહ્યું કે આ તમામ સાત આરોપીઓમાંથી એક આરોપી સામે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી, જ્યારે અન્ય તમામ સામે કોઈને કોઈ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.