
લંડનના ભારતીય દૂતાવાસ પર 19 માર્ચે થયેલો હુમલો અને ત્રિરંગાના અપમાનની ઘટનાના તાર પંજાબ સાથે જોડાયેલા છે. ષડ્યંત્રની પટકથા પંજાબમાં લખાઈ હોવાના ભારતીય તપાસ સંસ્થા (એનઆઇએ)ને પૂરતા પુરાવા મળ્યા છે. આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખનારા 31થી વધુ લોકોનાં નામ મળતાં એનઆઇએએ લોકોની ધરપકડ માટે મંગળવારે પંજાબના વિવિધ જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા.
દરોડાની કાર્યવાહી દરમિયાન લેપટોપ, મોબાઇલ અને દસ્તાવેજો મળ્યા છે. ગૃહમંત્રાલયે દૂતાવાસ પર હુમલાની તપાસ એનઆઇએને સોંપી છે. એનઆઇએ ટીમે મે મહિનામાં લંડન જઈને એકત્ર કરેલા પુરાવાને આધારે અનેક લોકોની ઓળખ કરી હતી.
સૂત્રોના કહેવા પ્રમાણે એનઆઇએએ વિવિધ દેશોની તપાસ એજન્સીઓ સાથે માહિતીનું ક્રાઉડસોર્સિંગ કર્યું હતું. આ તપાસમાં દલ ખાલસા, ગુરચરણ સિંહ, ખાલિસ્તાન લિબ્રેશન ફોર્સના આતંકવાદી અવતાર સિંહ ખાંડા અને તસવીર સિંહની મુખ્ય ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. એનઆઇએએ પંજાબમાં રહેતા 2 આતંકવાદીના ઘરે દરોડા પાડ્યા હતા. આરોપીઓ ભાગી છૂટ્યા હતા.