લંડનમાં દિવાળીની ઉજવણી, કલાકારોએ ‘જય હો’ ગીત પર ડાન્સ કર્યો

બ્રિટનની રાજધાની લંડનમાં મેયર સાદિક ખાન દ્વારા આયોજિત વાર્ષિક દિવાળીની ઉજવણીમાં બ્રિટનના વિવિધ ભાગોમાંથી લોકોએ ભાગ લીધો હતો. ટ્રાફાલ્ગર સ્ક્વેરમાં રવિવારે બપોરે 1 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી વાર્ષિક દિવાળી ઉત્સવનું આયોજન કરાયું હતું. આ ઉજવણીમાં હિંદુ, શીખ અને જૈન સમુદાયાના લોકોએ યોગ વર્કશોપ અને પપેટ શોનો આનંદ માણ્યો હતો.

આ પ્રસંગે કલાકારોએ જય હો અને જો હૈ અલબેલા જેવા બોલિવૂડ ગીતો પર ડાન્સ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ફેસ્ટિવલમાં હાજર લોકોએ ભારતીય વાનગીઓનો પણ આનંદ માણ્યો હતો. મેયર સાદિક ખાન દ્વારા આયોજિત ફેસ્ટિવલમાં માત્ર લંડનથી જ નહીં પરંતુ યુકેના વિવિધ ભાગોમાંથી તમામ ભારતીય લોકો પહોંચ્યા હતા.

આ દરમિયાન મૂળ ભારતીય યુવતીએ કહ્યું કે હું પહેલીવાર ભારતની બહાર દિવાળીનો અનુભવ કરી રહી છું અને આ એક અદ્ભૂત અનુભવ છે. આ પ્રસંગે ભારતીય મૂળના એક યુવકે કહ્યું કે લંડનના લોકોને દિવાળીની ઉજવણી કરતા જોઈને સારું લાગે છે. મેયરનું ભાષણ સાંભળ્યું, તે એક અદ્ભુત વ્યક્તિ છે. આ વખતે 12મી નવેમ્બરે દિવાળી ઉજવવામાં આવશે.