નવીદિલ્હી, આ વર્ષે ૧૯મી માર્ચે લંડનમાં ભારતીય રાજદૂતાવાસમાં હિંસા આચરવામાં આવી હતી. તેમા સામેલ ૪૫ લોકોની તસ્વીર જારી કરવામાં આવી હતી. બે મહિના કરતાં પણ વધુ સમયમાં એનઆઇએએ આવા ૧૫ તોફાનીઓની ઓળખ કરી લીધી છે. તેની તસ્વીરો મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેમની સામે લૂક આઉટ સરક્યુલર નોટિસ જારી કરવાનું કામ પણ ચાલી રહ્યું છે.
એનઆઇએએ ૧૫ તોફાનીઓની ઓળખ કરી છે, તેમાથી ચાર ખાલિસ્તાન સમર્થક છે. તેમણે બીજી જુલાઈના રોજ સાનફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસને નિશાન બનાવ્યું હતું. ભારતીય રાજદૂતાવાસ પર ખાલિસ્તાની સમર્થકોના હુમલા માટે એનઆઇએની ટીમ આગામી મહિને કેનેડાનો પ્રવાસ ખેડવાની છે.
એનઆઇએ દ્વારા ૧૫ લોકોની ઓળખ કર્યા પછી આગામી પડકાર બ્રિટિશ સરકારને તેમની સામે કાર્યવાહી કરવા માટે તૈયાર કરવાનો હશે. બ્રિટનમાં ભારતના યુએપીએ જેવો કોઈ કાયદો નથી. દેખાવકારો સામે કાર્યવાહી કરવા માટે મંજૂરી મેળવવા સ્થાનિક સરકારના પગલાંની રાહ જોવી પડશે.
આ વર્ષે એપ્રિલમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે એનઆઇએને લંડનમાં વિરોધ પ્રદર્શન પછી તે સંદર્ભમાં નવો કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં આઇએસઆઈ સાથે જોડાયેલા આતંકવાદીઓનું નામ પણ સામે આવ્યું હતું. મંત્રાલયે દિલ્હી પોલીસને પણ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
મેમાં એનઆઇએની ટીમે યુકેનો પ્રવાસ ખેડ્યો અને પુરાવા એકત્રિત કર્યા. ભારત પરત ફર્યા પછી તેમણે ઘટનાના પાંચ વિડીયો જારી કર્યા. તેમણે સામાન્ય પ્રજાને તે શંકાસ્પદોની ઓળખ કરવામાં મદદ કરવા કહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે એજન્સીને ૫૦૦થી વધુ ફોન આવી ચૂક્યા છે.
રોએ પણ એનઆઇએને શંકાસ્પદોની ઓળખ કરવામાં મદદ કરી છે. એફઆઇઆરમાં ત્રણવ્યક્તિઓ અવતારસિંહ ઉર્ફ ખાંડા, ગુરુચરણસિંહ અને જસવીરસિંહના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ખાંડાનું જૂનમાં નિધન થયું છે અને એનઆઇએ તેના કેસની ફાઇલ માટે તેમના મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા માટે સંલગ્ન વિભાગોના સંપર્કમાં છે.