લંડન કોર્ટમાં જામનગરના જમીન માફીયા જયેશ પટેલને ભારતને સોંપવાના કેસની સુનાવણી પૂર્ણ: ૩ માર્ચે ચુકાદો

લંડન,

જામનગરના ભૂમાફીયા અને ગેંગસ્ટર જયેશ પટેલને ભારત પ્રત્યાર્પણ કરવાના કેસની સુનાવણી લંડનની વેસ્ટમીનસ્ટર મેજીસ્ટ્રેટની કોર્ટમાં પૂર્ણ થઈ ગઈ છે અને તેને ભારતને સોંપાશે કે કેમ તેનો ચૂકાદો આગામી ૩ માર્ચ ૨૦૨૩ના રોજ આવવાની સંભાવના છે.જામનગરમાં ભૂમાફીયા ગણાતા અને જમીન વ્યવહારોમાં હત્યાકાંડમાં સામેલ ૪૬ વર્ષીય જયેશ પટેલનું મૂળ નામ જયસુખ મુળજીભાઈ રાણપરીયા છે.

બોગસ દસ્તાવેજોના આધારે બ્રિટન નાસી ગયા બાદ લંડનમાંથી ૧૬ માર્ચ ૨૦૨૧ના રોજ પકડાયો હતો. ભારત સરકાર દ્વારા તેને ભારતને સોંપવાની માંગ કરવામાં આવી હતી અને તે બાદ તેને લંડનની જેલમાં રાખવામાં આવ્યો છે.

જામનગરના ૨૦૧૮ના વકીલ કિરીટ જોશી હત્યાકેસમાં જયેશ પટેલ સૂત્રધાર છે ઉપરાંત રાજયના હત્યાના પ્રયાસમાં ત્રણ ગુનામાં પણ તેમની સંડોવણી છે. એમ કહેવાય છે કે તે વિદેશમાં રહીને ભારતમાં હત્યા કરાવતો હતો. વકીલ કિરીટ જોશી જયેશ પટેલની સામે ફરિયાદ કરનાર બિલ્ડરના વકીલ હતા અને ૨૦૧૮માં કિરીટ જોશીની હત્યા થઈ હતી.પ્રત્યાર્પણ કેસની સુનાવણીમાં છેલ્લા દિવસે વિડીયો લિંક મારફત જયેશ પટેલને હાજર રાખવામાં આવ્યો હતો. ભારત સરકારના વકીલ કલેર ડોબીન ને અદાલતમાં એમ કહ્યું કે ભારત અને બ્રિટન વચ્ચેની સંધીને નિભાવવા અને જાહેર હિતમાં જયેશ પટેલના પ્રત્યાર્પણમાં ફેંસલો લેવામાં આવે. જયેશ પટેલના વકીલે એવી દલીલ કરી હતી કે દોષીત હોવાની લાગણીથી તેની માનસિક હાલત ખરાબ છે અને મગજ પરનો કાબુ ગુમાવી રહ્યા છે.