લોક્તંત્રના નવા પ્રહરી

અધ્યક્ષ

એનડીએના સંખ્યાબળને જોતાં ઓમ બિરલાનું અઢારમી લોક્સભાના અધ્યક્ષ ચૂંટાવું તો નક્કી જ હતું, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં આ મામલે ઘટનાક્રમે જે વળાંક લીધો અને વાત ચૂંટણી કરાવવા સુધી પહોંચી, તે નવા દોરની રાજનીતિનો સંકેત છે. પરંપરા છે કે લોક્સભાધ્યક્ષ ભલે કોઈ રાજકીય પાર્ટીના હોય, લગભગ તેમની ચૂંટણી સર્વસંમતિથી થાય છે. સદનના સંચાલન માટે અધ્યક્ષને તમામ પક્ષો પાસેથી સહયોગની અપેક્ષા હોય છે અને લોક્સભા અધ્યક્ષના પદને પક્ષીય રાજનીતિથી ઉપર માનવામાં આવે છે, જેથી જો આ પદ પર નિયુક્તિ બધાને ભરોસામાં લઈને થાય તો પદની ગરિમા વધે છે અને સદનની પણ. પરંતુ થયું એવું કે ૪૮ વર્ષોમાં પહેલી વાર સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે સહમતિ ન બની અને વિપક્ષે ઉપાધ્યક્ષ પદની માંગ પૂરી થવામાં નિષ્ફળ રહેતાં પોતાનો ઉમેદવાર પણ મેદાનમાં ઉતારી દીધો. એ જુદી વાત છે કે મામલો વોટિંગ સુધી ન પહોંચ્યો અને ઓમ બિરલાને વનિ મતથી જ અધ્યક્ષ ચૂંટી લેવાયા. કારણ કે વિપક્ષ જાણતો હતો કે આંકડામાં તેમનો ગજ વાગે તેમ નથી, તેથી મત વિભાજન માગીને શું કામ આબરૂના લીરા ઉડાડવા!

એમ તો બિરલા બે વખત ચૂંટાનારા છઠ્ઠા લોક્સભા અધ્યક્ષ છે, પરંતુ પાંચ વર્ષનો પહેલો કાર્યકાળ પૂરો કર્યા બાદ સતત બીજી વખત ચૂંટાનાર બીજા અધ્યક્ષ છે. જો પાછલી લોક્સભાનો કાર્યકાળ જોવામાં આવે તો ઓમ બિરલાના અધ્યક્ષ રહેતાં ૧૭મી લોક્સભાની કુલ ઉત્પાદક્તા ૯૭ ટકા રહી હતી, જે પાછલી પાંચ લોક્સભાઓમાં સૌથી વધારે છે. તે ઉપરાંત તેમના અધ્યક્ષ પદે રહેતાં નવા સંસદ ભવનના નિર્માણની સાથે સદનમાં ત્રણ અપરાધિક કાયદા, અનુચ્છેદ ૩૭૦ને હટાવવા અને નાગરિક્તા સંશોધન સહિત કેટલાય ઐતિહાસિક કાયદા પણ પસાર થયા. જોકે તોફાન કરતા સો સાંસદોની બરતરફી અને સંસદની સુરક્ષા પર કેટલાક આકરા નિર્ણયો વધુ ચર્ચામાં રહ્યા. એટલું જ નહીં, આખી લોક્સભા દરમ્યાન લગભગ ૮૭૫ કરોડ રૂપિયાની બચત પણ થઈ, જે સચિવાલયના બજેટના ૨૩ ટકા હતા. ચૂંટણીના તરત બાદ જ્યારે વડાપ્રધાન, વિપક્ષના નેતા અને સંસદીય કાર્યમંત્રી લોક્સભા અધ્યક્ષને આસન સુધી દોરી ગયા, એ દરમ્યાન જે સૌજન્ય જોવા મળ્યું તે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલી કડવાશના દોરમાં શાંતિ આપનારું હતું. વિપક્ષ પાસે પર્યાપ્ત સીટો છે અને નવી સ્થિતિમાં તેનું વલણ પણ દબાણ ઊભું કરનારું છે. પરંતુ આ દબાણ લોક્તંત્રના હકમાં સકારાત્મક પરિણામ આપનારું હોવું જોઇએ. આ સંદર્ભે નવનિયુક્ત અધ્યક્ષ ની ટિપ્પણી યાન આપવા જેવી છે કે આપણે બેશક અલગ-અલગ વિચારધારાઓથી ચૂંટાઈને આવીએ છીએ, પરંતુ દેશ સૌથી પહેલાં છે. એવામાં બંને પક્ષો પાસે એ અપેક્ષા છે ચે ચર્ચાનું સ્તર જળવાઈરહે અને કોઈ શાલીનતાની સીમા ન ઓળંગે.