
તાજેતરમાં યોજાયેલી લોક્સભા ચૂંટણી-૨૦૨૪માં કોંગ્રેસે ચૂંટણી લડવા માટે લોક્સભા ઉમેદવારને કેટલું ફંડ આપ્યું તે અંગેની વિગત ચૂંટણી પંચને આપી છે. પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં ૯૯ બેઠકો જીતી હતી જેમાંથી રાહુલ ગાંધીએ વાયનાડ અને રાયબરેલી બે બેઠકો જીતી હતી. આ બે બેઠકથી ચૂંટણી લડવા માટે રાહુલ ગાંધીને ૭૦-૭૦ લાખ રૂપિયા આપ્યા છે.
કોંગ્રેસમાં પાર્ટી ફંડમાંથી રૂ. ૮૭ લાખ રૂપિયાની સૌથી વધુ રકમ વિક્રમાદિત્ય સિંહને આપવામાં આવી હતી. જોકે, તેઓ હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌત સામે હારી ગયા હતા. તેમજ ભાજપના પૂર્વ સાંસદ સ્મૃતિ ઈરાનીને હરાવનાર કિશોરી લાલ શર્માને ચૂંટણી લડવા માટે રૂ. ૭૦ લાખ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સી વેણુગોપાલ (અલપ્પુઝા, કેરળ), મણિકમ ટાગોર (વિરુધુનગર, તમિલનાડુ), રાધાકૃષ્ણ (ગુલબર્ગ, કર્ણાટક), વિજય ઈન્દર સિંગલાને (આનંદપુર સાહિબ, પંજાબ) આ દરેક ઉમેદવારને પણ ચૂંટણી લડવા માટે પાર્ટી તરફથી રૂ. ૭૦ લાખ આપવામાં આવા હતા. તેમજ પાર્ટીના વરિષ્ઠ નેતા આનંદ શર્મા અને દિગ્વિજય સિંહને અનુક્રમે રૂ. ૪૬ લાખ અને રૂ. ૫૦ લાખ આપવામાં આવ્યા હતા. જો કે બંને ચૂંટણી હારી ગયા હતા.
ચૂંટણી પ્રચારમાં ઉમેદવારના ખર્ચની મર્યાદા છે, પરંતુ રાજકીય પક્ષો માટે આવી કોઈ મર્યાદા નથી. જાન્યુઆરી ૨૦૨૨ માં, ચૂંટણી પંચની ભલામણના આધારે, સરકારે લોક્સભા ચૂંટણી માટે ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા રૂ. ૭૦ લાખથી વધારીને રૂ. ૯૫ લાખ અને વિધાનસભાની ચૂંટણી માટે રૂ. ૨૮ લાખથી વધારીને રૂ. ૪૦ લાખ કરી દીધી હતી. લોક્સભા ચૂંટણી માટે સંશોધિત ખર્ચ મર્યાદા હવે મોટા રાજ્યો માટે રૂ. ૯૦ લાખ અને નાના રાજ્યો માટે રૂ. ૭૫ લાખ છે.