દાહોદ,\ લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 અંતર્ગત દાહોદ જીલ્લામાં આગામી 7 મેના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણીમાં દાહોદ જીલ્લાના વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રવૃત્તિઓના માધ્યમથી દાહોદ જીલ્લાના મતદારોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
જેના અનુસંધાને વાય એસ આર્ટ્સ કોલેજ દેવગઢ બારીયા ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ તેમજ ચૂંટણી અંગેની વિસ્તાર પૂર્વક સમજ આપવામાં આવી હતી તથા જે વિદ્યાર્થીઓ પ્રથમ મતદાર હોય તેઓને બિનચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. એ સાથે જ લોકશાહીનો પાયો મજબૂત બનાવવા માટે તેમના મતની શું કિંમત હોઈ શકે તેની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે તમામ યુવા મતદારોએ બિનચૂક મત આપવા માટે શપથ લીધા હતા.