
- ભારતીય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાત રાજ્યમાં 12 આવશ્યક સેવાઓના અધિકારી/ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધા આપવામાં આવશે.
- 17- ખેડા લોકસભાની મતદારયાદીમાં આવતા આવશ્યક સેવાઓના અધિકારી/ કર્મચારીઓ તા. 02 થી 06 સુધીમાં સંબંધિત ફેસીલીટેશન સેન્ટર પર મતદાન કરી શકશે.
નડીયાદ, જીલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટર ભરત જોષીના અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણીની આવશ્યક કામગીરીમાં રોકાયેલ સરકારી અધિકારીઓ/ કર્મચારી માટે પોસ્ટલ બેલેટ અંગે ખાસ વ્યવસ્થા ઊભી કરવા અંગે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી કુસુમ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ભારતીય ચૂંટણી અયોગ દ્વારા ઈલેક્ટ્રીસીટી, બીએસએનએલ, રેલ્વે, દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, આરોગ્ય સેવાઓ, એવીએશનની સેવાઓ, એસટી બસની સેવાઓ, ફાયર વિભાગ, ઇ.સી.આઇ. દ્વારા મતદાન દિનના કવરેજ માટે ઓથોરાઈઝ કરવામાં આવેલ મીડિયાકર્મીઓ, ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ જેવી આવશ્યક સેવાઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવનાર છે. આ માટે આવશ્યક સેવા વિભાગના નોડલ અધિકારીઓ નિમવામાં આવશે જેઓ તેમના વિભાગ હેઠળના કર્મચારીઓના ફોર્મ નંબર 12ઉ મોડામાં મોડું 16 એપ્રિલ 2024 સુધીમાં જીલ્લા ચૂંટણી શાખામાં જમા કરવવાના રહેશે. ત્યારબાદ પ્રાથમિક તપાસ બાદ વેરીફાઈ કરાયેલા મતદારોએ તેઓના મતવિસ્તારના પ્રાંત અધિકારીની કચેરી ખાતે તૈયાર કરવામાં આવેલ ફેસીલીટેશન સેન્ટરમાં તા.02 થી 06 મે, દરમિયાન મતદાન કરી શકાશે.
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર બી. કે. જોષી, નાયબ ચૂંટણી અધિકારી કુસુમ પ્રજાપતિ સહિત તમામ આવશ્યક સેવાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.