- આદર્શ આચાર સંહિતાનો અમલ થતાં કઇ કઇ બાબતોનું પાલન કરવું તે અંગે જાણકારી અપાઈ.
દાહોદ,ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી -2024ની જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તારીખ 7 મી મે-2024 ના રોજ તમામ બેઠકો પર મતદાન યોજાનાર છે. જેના માટે આગામી તારીખ 12 એપ્રિલ-2024ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે.
લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષી રાજકીય પક્ષોને ચૂંટણીલક્ષી માહિતી અને માર્ગદર્શન આપવા માટે દાહોદ કલેક્ટર કચેરી ખાતે જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં આદર્શ આચાર સંહિતાનો અમલ થતાં કઇ કઇ બાબતોનું પાલન કરવું તથા કઇ લોકસભા બેઠકમાં કઇ વિધાનસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે તે અંગેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી.રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચૂંટણીલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં દાહોદ નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી હેતલબેન એ માહિતી આપતાં જણાવ્યું કે ચૂંટણીલક્ષી ફરિયાદો માટે 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરીને હેલ્પલાઇન નંબર 1950 જાહેર કરવામાં આવ્યો છે અને ટોલ ફ્રી નંબર 1800 233 0053 છે. ખર્ચ નિયત્રંણ માટે પણ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી આવી છે. રાજકીય પક્ષોને વિવિધ મંજૂરી લેવા માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરી દેવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ,જીલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલા, એ.એસ.પી બીશાખા જૈન, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલ સહિત સબંધિત અધિકારીઓ અને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.