- મતદાર યાદીમાં નામ શોધવું, મતદાર નોંધણી અને સુધારાના ફોર્મથી લઈ મત ગણતરીની રિયલ ટાઈમ અપડેટ સુધીની સુવિધા ધરાવે છે વોટર હેલ્પલાઈન એપ્લીકેશન.
નડીયાદ, આજના ટેક્નોલોજીના યુગમાં ભારતના મતદારોએ મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા, મતદાર નોંધણી અને સુધારા માટે જાતે ચાલીને ફોર્મ ભરવા જવું પડતું નથી. મતદાર કેન્દ્રિત સુવિધાઓ હવે ચૂંટણી પંચની વેબસાઈટ પર તથા તેના વિવિધ પોર્ટલ પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત મતદારોની સુવિધામાં અગ્રીમ વધારો કરતા ચૂંટણી પંચે મતદાર કેન્દ્રિત તમામ સુવિધાઓ માટે એક સર્વગ્રાહી મોબાઈલ એપ તૈયાર કરી છે જેનું નામ વોટર હેલ્પલાઈન એપ્લીકેશન.
આ વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ્લીકેશનમાં ભારતીય મતદારો માટે મતદાર યાદીમાં તેમનું નામ શોધવા, મતદાર નોંધણી અને સુધારા માટેના ફોર્મ સબમિટ કરવા, તેમની ડિજીટલ ફોટો મતદાર સ્લિપ ડાઉનલોડ કરવા, ફરિયાદ કરવા, ચૂંટણી લડી રહેલા ઉમેદવારો વિશે વિગતો શોધવા અને સૌથી અગત્યનું મત ગણતરીની અપડેટ રિયલ ટાઈમમાં જોવા માટેની સુવિધા એક જ એપમાંથી મળી રહે છે.
આજ સુધીમાં ભારતના 1.9 કરોડ લોકો મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા માટે વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી ચૂક્યા છે. 8મી ફેબ્રુઆરી 2019 ના રોજ લોન્ચ કરવામાં આવેલ આ એપ્લીકેશન ચૂંટણી પંચની મુખ્ય વેબસાઇટ, સ્વીપ વેબસાઇટ, ઈલેક્ટોરલ સર્ચ વેબસાઇટ, એનવીએસપી ફોર્મ્સ અને ફરિયાદ વેબસાઇટ જેવી પાંચ અલગ-અલગ ટેક્નોલોજીને એક એપમાં પરોવે છે.
વોટર હેલ્પલાઈન એપ્લીકેશનના ફીચર
1) ઈલેક્ટોરલ સર્ચ :-
વોટર હેલ્પલાઈન એપ્લિકેશનની મુખ્ય વિશેષતા ઈલેક્ટોરલ સર્ચ છે, જેના દ્વારા મતદારો પોતાની વ્યક્તિગત વિગતો, EPIC અથવા બારકોડ સ્કેન કરીને મતદાર યાદીમાં પોતાની વિગતો શોધી શકે છે. આ વિગતો મતદાર પોતાની વોટર સ્લીપ તરીકે પણ સેવ કરી શકે છે અને પોતાના કોન્ટેક્ટ લીસ્ટમાં પણ શેર કરે છે.
2) વોટર રજીસ્ટ્રેશન:-
આ ફીચરમાં ન્યુ વોટર રજીસ્ટ્રેશન ફોર્મ 6, નામ કમી કરવાનું ફોર્મ 7 અને નામ સુધારણા ફોર્મ 8 તથા આધાર નંબર એડ કરવા માટેનું ફોર્મ 6B ઉપલબ્ધ કરાવવામાં આવ્યુ છે.
3) વોટર સર્વિસિસ :-
આ ફીચરમાં મતદાતાના મતદાન બુથ અને મતવિસ્તારના બુથ લેવલ ઓફીસર-બીએલઓ, ઈલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફીસર-ઈઆરઓ અને ડીસ્ટ્રીક્ટ ઈલેક્શન ઓફીસર-ડીઈઓની વિગતો મળી શકશે.
4) ડાઊનલોડ e-EPIC :-
આ ફીચરમાં e-EPIC ડાઉનલોડ કરી શકાય છે. e-EPICએ વોટર આઈડીની સોફ્ટ કોપી છે. e-EPIC એ EPIC નું સુરક્ષિત પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (પીડીએફ) વર્ઝન છે, જે મોબાઈલ પર અથવા કોમ્પ્યુટર પર સેલ્ફ પ્રિન્ટેબલ ફોર્મમાં ડાઉનલોડ કરી શકાય છે. આમ મતદાર કાર્ડને તેના મોબાઈલમાં સ્ટોર કરી શકે છે, તેને ડિજી લોકર પર અપલોડ કરી શકે છે અથવા તેને પ્રિન્ટ કરી શકે છે અને તેને સેલ્ફ-લેમિનેટ કરી શકે છે. e-EPIC મતદાર ઓળખ માટે દસ્તાવેજના પુરાવા તરીકે સમાન રીતે માન્ય છે.
5) ઈલેક્શન્સ :-
આ ફીચરમાં વર્તમાન ચૂંટણી સંબધિત મહત્વની જાણકારી જેમ કે ચૂંટણી પ્રક્રિયા, રેફરન્સ ડોક્યુમેન્ટ્સ, ચૂંટણી પરિણામો, વિધાનસભા ચૂંટણી , લોકસભા ચૂંટણી અને પેટા-ચૂંટણીમાં મતદાતાઓ, રાજકીય પક્ષો, મીડીયા પ્રકાશનો, ચૂંટણીનું આયોજન, મતદાતાઓને માર્ગદર્શન અને આઈસીટી એપ્લીકેશન વગેરે મહત્વની જાણકારી મળી શકશે. સાથે જ લોકસભા અને રાજ્યસભાની અવધિ વિશે પણ માહિતિ મળી શકશે.
6) કેન્ડિડેટ ઈન્ફોર્મેશન :-
ઉમેદવારો વિશેની જાણકારી મેળવવા આ અતિ મહત્વનું ફીચર છે. જેમાં કુલ ઉમેદવારી નામાંકન સંખ્યા, નામાંકન સ્વીકાર, અસ્વીકાર, પરત ખેંચાયેલ અને ચૂંટણી લડી રહેલ કુલ ઉમેદવારોની સંખ્યા જાણી શકાશે. સાથે ફીચરમાં આપેલ સર્ચ બારમાંથી જે તે ઉમેદવારની વિગત પણ નામ દ્વારા શોધી શકાશે.
7) ઈલેક્શન રીઝલ્ટ્સ :-
ચૂંટણી પરીણામો વિશેની અધિકૃત જાણકારી આ ફીચરમાંથી મળી શકશે.
8) વોટર મિત્ર :-
આ ફીચરમાં ચૂંટણી કે મતદાનને લઈ કોઈ મુંઝવતા પ્રશ્રોની સરળ ભાષામાં સમજૂતી આપી પ્રશ્ર્નનું નિરાકરણ મળી શકશે.
9) લેટેસ્ટ અપડેટ :-
આ ફીચરમાં ચૂંટણી આયોગ દ્વારા ઈસ્યુ કરવામાં આવતી પ્રેસ રીલીઝ, સુચનાઓ અને આઈસીટી એપ્લીકેશન જેમ કે, Know Your Candidate (KYC) સુવિધા, ઓનકોર નોડલ એપ, વોટર ટર્ન આઉટ, સીવિજીલ, વોટર હેલ્પલાઈન, સક્ષમ-ઈસીઆઈ, ઓબ્ઝર્વર અને ઇએસએમએસની માહિતિ મળી શકશે.
આમ, વોટર હેલ્પલાઈન એપ એ ભારતીય મતદારોને ચૂંટણી, મતદાન અને મતદાન સંબધિત તમામ પ્રક્રિયાઓમાં સરળતાથી કામગીરી કરવામા મદદરૂપ થઈ વન સ્ટોપ સોલ્યુશન સર્વિસ એપ સાબિત થઈ છે.