લોકસભા સામાન્ય ચૂંટણી -2024: ઝાલોદ મતવિસ્તારના પ્રિસાઇડીંગ અને મહિલા પોલીગ ઓફિસરો માટે યોજાયા તાલીમ વર્ગ

  • પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા થીયરીની સાથો સાથ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
  • ઝાલોદની સાયન્સ કોલેજ ખાતે ચૂંટણીલક્ષી ફરજમાં જોડાયેલા કર્મયોગીઓ માટે તાલીમ વર્ગ યોજાયો.

દાહોદ, દાહોદ જીલ્લામાં આગામી તા.7મી મે, 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્ચિત રીતે સુપેરે પાર પડે તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી અને જીલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ઝાલોદ મતવિભાગના પ્રિસાઈડિંગ અને મહિલા પોલીગ ઓફિસર્સ માટે સાયન્સ કોલેજ ઝાલોદ ખાતે જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે અને પ્રાંત અધિકારીની રાહબરી હેઠળ આજરોજ તાલીમ વર્ગો યોજાયા હતા. આ તાલીમ વર્ગમાં દાહોદ જીલ્લા ચુંટણી અધિકારી યોગેશ નિરગુડે એ રૂબરૂ મુલાકાત લઈ ચૂંટણી ફરજ પરના પ્રિસાઈડિંગ અને મહિલા પોલીગ ઓફિસર્સને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી પ્રોત્સાહન વધાર્યું હતું.

તાલીમ વર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ,EVM,VVPAT, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઇ હતી. આ સાથે દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે અંગે પણ આવા મતદારોને જરૂરી સુવિધા અને સહાયકની સેવા ઉપલબ્ધિ અંગે પણ જાણકારી અપાઇ હતી.

તદ્દઉપરાંત તમામને EVM,VVPAT અંગે હેન્ડસ ઓન ચૂંટણીલક્ષી કામગીરી સબબ જાણકારી સાથે પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું. આ ચૂંટણીમાં મતદાન વખતે મતદારે ફોટો વોટર સ્લીપની સાથોસાથ ચૂંટણીપંચે સૂચવેલ વૈકલ્પિક અન્ય 12 દસ્તાવેજી પુરાવાઓ પૈકી કોઇ એક પુરાવો પણ હવે રજૂ કરવાનો રહેશે તેની પણ સમજ કેળવવામાં આવી હતી. ચૂંટણી ફરજ ઉપરના અધિકારીઓ/કર્મચારીઓને પોસ્ટલ બેલેટ-ઇડીસી દ્વારા મતદાન અંગે પણ માહિતગાર કરાયાં હતાં.

પ્રિસાઇડિંગ ઓફિસર અને મહિલા પોલીગ ઓફિસર માટે યોજાયેલા આ તાલીમ વર્ગમાં સુપરવાઇઝરી કામગીરી બાબતે ચોકસાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજીસ્ટરમાં તેની નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા, પૂર્ણ થયા બાદ EVM મશીન VVPAT સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને વિગતવાર માર્ગદર્શન પુરૂ પડાયું હતું.

આ સાથે જીલ્લા ચુંટણી અધિકારી યોગેશ નિરગુડે એ ઝાલોદ વિધાનસભા ખાતે ઈ.વી.એમ. સ્ટ્રોંગરૂમ મુલાકાત લઈને આનુશાંગિક વ્યવસ્થા કરવા માટે સૂચનો કર્યા હતા. ઉપરાંત પોલીગ સ્ટાફના પોસ્ટલ બેલેટ ની ચાલી રહેલ કામગીરી સમીક્ષા પણ કરવામા હતી .

આ તાલીમ દરમ્યાન, ઝાલોદ પ્રાંત અધિકારી એ.કે.ભાટીયા, મામલતદાર શૈલેશ પરમાર, નાયબ મામલતદાર સહિત મોટી સંખ્યામા પ્રિસાઇન્ડીંગ અને મહિલા પોલીગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.