લોકસભા સામાન્ય ચૂંટણી 2024: આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદોના નિવારણનું અસરકારક માધ્યમ બની c-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ

  • મહીસાગર જીલ્લામાં આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદોનું સી-વિજીલ દ્વારા મિનિટોમાં જ નિવારણ.
  • ફરિયાદો નોંધાવવા માટે 24 કલાક ચાલતો ટોલ ફ્રી નંબર 1800-233-2791 અને 02674-250025.
  • સી-વિજીલ મોબાઈલ એપ પર પણ ફરિયાદ થઈ શકે છે : 100 મિનિટમાં જ આવે છે ઉકેલ.

મહીસાગર,દેશભરમાં આયોજીત થનાર લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે નિષ્પક્ષ મતદાન થાય તથા તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે રાજ્ય ચૂંટણીપંચના દિશાનિર્દેશ અનુસાર જીલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે. મતદારો અને જાગૃત નાગરિકોને વિવિધ એપ્લિકેશન અને વેબ પોર્ટલના માધ્યમથી અલગ અલગ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે. જેને અનુસંધાને લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ, મહીસાગર જીલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી બની ગઈ છે. જીલ્લા ચૂંટણી અધિકારી નેહા કુમારીના નેતૃત્વમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ થઈ રહ્યો છે. આ સાથે આચારસંહિતાના ભંગને લગતી ફરિયાદો સરળતાથી નોંધાવી શકાય તેમજ તેનો ગણતરીની મિનિટોમાં જ ઉકેલ લાવી શકાય તે માટે, જીલ્લા ચૂંટણી અધિકારીની સૂચના મુજબ, કલેક્ટર કચેરી ખાતે સી-વિજીલ (સિટિઝન વિજીલન્સ) ટોલ ફ્રી નંબર 1800-233-2791 અને 02674-250025 કાર્યરત કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત સી-વિજીલ મોબાઈલ એપ પણ ચાલુ કરી દેવામાં આવી છે. આચારસંહિતાની માર્ગદર્શિકા મુજબ આ ફરિયાદનું માત્ર ગણતરીમી મિનિટોમાં જ નિરાકરણ કરવામાં આવે છે.

આ ટોલ ફ્રી નંબર તથા મોબાઈલ એપ 24 કલાક ચાલુ રહે છે અને કોઈ પણ નાગરિક 24 કલાકમાં ગમે ત્યારે આચારસંહિતા ભંગને લગતા કોઈ પણ કિસ્સાની ફરિયાદો તેના પર નોંધાવી શકે છે. આ માટે જીલ્લા કલેક્ટર કચેરીમાં કાર્યરત સી-વિજીલ કંટ્રોલરૂમમાં વિવિધ સ્ટાફ ત્રણ પાળીમાં 24 કલાક ફરજ બજાવે છે..

16મી માર્ચે કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરી ત્યારથી જ સી-વિજીલ કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. અહીં શરૂ કરાયેલા ટોલ ફ્રી નંબર પર અત્યાર સુધીમાં 7 ફરિયાદો આવી છે અને એ તમામ પર ગણતરીની મિનિટોમાં જ કાર્યવાહી કરીને ઉકેલ લાવવામાં આવ્યો છે.

નાગરિકો આચારસંહિતા ભંગની ફરિયાદ સી-વિજીલ મોબાઈલ એપ પર પણ નોંધાવી શકે છે. આ ફરિયાદ ફોટો, વીડિયો કે ઓડિયો એમ કોઈ પણ સ્વરૂપે નોંધાવી શકાય છે. કુલ મળીને ચાર તબક્કામાં ફરિયાદનું નિવારણ થાય છે. (1) જ્યારે વ્યક્તિ ફરિયાદ કરે ત્યારે સોફ્ટવેરમાં તેનું લોકેશન ડિટેક્ટ થાય છે અને આ ફરિયાદની નોંધ થાય છે. (2) આ લોકેશન તેમજ ફરિયાદની વિગતો પાંચ જ મિનિટમાં ફ્લાઈંગ સ્ક્વોડને મોકલી દેવામાં આવે છે. ફ્લાઈંગ સ્ક્વોડ 15 જ મિનિટમાં ત્યાં પહોંચી જાય છે અને બેનર વગેરે દૂર કરવાની કે જરૂરી એક્શન લે છે. (3) એ પછી 30 જ મિનિટમાં ફરિયાદ નિવારણનો રિપોર્ટ રિટર્નિંગ ઓફિસર કે આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરને મોકલવામાં આવે છે. (4) રિટર્નિંગ ઓફિસર કે આસી. રિટર્નિંગ ઓફિસર 50 મિનિટમાં આ ફરિયાદ ક્લોઝ કરે છે.

મહીસાગર જીલ્લામાં સી-વિજીલના ટોલ ફ્રી નંબર પર અત્યાર સુધીમાં 7 ફરિયાદો આવી છે, જેનું તત્કાલ નિવારણ કરી દેવામાં આવ્યું છે.