અમદાવાદ, : ગુજરાતમાં લોક્સભાની ચૂંટણી પહેલાં ઈડી અને આઇટી વિભાગ સક્રિય તઈ ગયો છે. આજે ગુજરાતના અલગ અલગ શહેરોમાં કેન્દ્ર સરકારની આ બંને એજન્સીઓએ દરોડા પાડ્યા છે. જેમાં મોટા માથાઓના નામ બહાર આવ્યા છે. વિભાગે અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ સહિત ૪ ગ્રુપ પર કાર્યવાહી કરી બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના ટોચના બે બ્રોકર પણ ઈન્ક્મટેક્સ વિભાગના રડારમાં છે. આ કાર્યવાહીને પગલે આજે બિલ્ડર લાંબીમાં ફફડાટ વ્યાપી ગયો છે.ઇડીએ દાની ગેમીગ એપ સાથે સંકળાયેલા લોકો પર તવાઈ બોલાવી છે. આજે ગુજરાતમાં મની લોન્ડરિંગ કેસમાં ઑનલાઈન ગેમિંગ એપ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ, કચ્છ, નવસારી, દિલ્હી સહિત ૧૪ સ્થળે ઈડીએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન ઈલેક્ટ્રિક સાધનો સહિત કેટલાક દસ્તાવેજ પણ ED ના અધિકારીઓએ જપ્ત કર્યા છે. આ દસ્તાવેજની વિગતવાર તપાસ બાદ સ્ફોટક ખુલાસા થઈ શકે છે.
લોક્સભાની ચૂંટણી અને દિવાળીના તહેવારો સમયે બિલ્ડરોને ઘી કેળાં છે. હાલમાં ધૂમ બુકીંગની સિઝન વચ્ચે આઇટીની કાર્યવાહીથી અનેક ચર્ચાઓ જાગી છે. અમદાવાદમાં સાયન્સ સિટી રોડ સહિતશહેરના અલગ અલગ વિસ્તારમાં પ્રોજેક્ટ ધરાવતા બિલ્ડરોને ત્યા દરોડા પાડવામાં આવ્યા છે. ત્રિકમ પટેલ, અનિલ પટેલ બિલ્ડર્સના ઠેકાણા સહિત ૨૪ જેટલા સ્થળોએ આઇટી વિભાગની ટીમો પહોંચી છે. ઈન્ક્મટેક્સ નો ૧૫૦ થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળી આવે તેવી શક્યતા છે. આવકવેરા વિભાગને આ તમામ બિલ્ડર્સના ત્યાં બેનામી સંપત્તિ હોવાના ઇનપુટ મળ્યા હતા,
આજે સવારથી આ કાર્યવાહીને પગલે બિલ્ડરો પણ ચોંક્યા છે. અવિરત ગ્રુપના કનુ પટેલ, સંદીપ પટેલ અને બળદેવ પટેલને ત્યાં પણ તપાસ ચાલી રહી છે. હાઇકોર્ટ પાસે આવેલી ઓફિસ સહિત અન્ય ઓફિસો પર પણ આવકવેરા વિભાગની તપાસ ચાલુ છે. આ પહેલા અમદાવાદમાં બે કેમિકલ કંપની પર આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન કર્યુ હતુ. બ્લીચ કેમ અને ધારા કેમિકલ કંપની પર ૫ દિવસ સુધી આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલી હતી. આવકવેરા વિભાગની તપાસમાં મળ્યા ૨૦૦ કરોડ રુપિયાના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા હતા.
ગુજરાતમાં આ એપ્લિકેશનમાં મોટાપાયે મનીલોન્ડરીંગ થયું હોવાની આશંકાઓ છે. દાની ડેટા એપ્લીકેશન ઠગાઈ મામલે ઈડીએ સકંજો કસ્યો છે. ઈડીએ પાલનપુરમાં સાયબર ક્રાઈમની એફઆઇઆરના આધારે તપાસ શરૂ કરી હતી. ચીની મૂળના શખ્સે ઓનલાઈન ગેમિંગ એપ બનાવીને હજારો ભારતીયો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હતી દાની ડેટામાં પ્રતિ ગેમમાં ઓછામાં ઓછો ૦.૭૫ ટકા રિટર્ન આપવાનો દાવો કરાતો હતો. ડીસેમ્બર ૨૦૨૧માં શરૂ થયેલી એપ્લિકેશન જૂન ૨૦૨૨માં બંધ થઈ ગઈ હતી. આ મામલે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાના દાવાઓ થયા હતા પણ ગુજરાત પોલીસે આ દાવાઓને ખોટા ઠેરવ્યા હતા. હવે આ કેસમાં ED ની એન્ટ્રીથી કેસ ચર્ચાસ્પદ બની ગયો છે. ED ને આ કેસમાં મોટી સફળતા મળી હોવાના દાવાઓ થઈ રહ્યાં છે.