
ભરૂચ, ગુજરાતની ૨૫ લોક્સભા બેઠક પર મતદાન પૂર્ણ થયું છે. ગરમીમાં પણ લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું. પરંતું સૌથી વધુ ઉત્સાહ દક્ષિણ ગુજરાતના એક આદિવાસી વિસ્તારના મતદારોએ બતાવ્યો. લોક્સભાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ડેડીયાપાડા વિધાનસભામાં થયું છે. ડેડીયાપાડા વિધાનસભામાં સૌથી વધુ ૮૩.૯૫ ટકા મતદાન નોંધાયું છે. આ વિસ્તાર આપના નેતા ચૈતર વસાવાની અંતર્ગત આવે છે. મતદાનનો આ આંકડો બતાવે છે કે, આદિવાસી મતદારો કેટલા જાગૃત છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આપ-કોંગ્રેસના ગઠબંધનના હીરોએ કરી બતાવ્યું. હાર થાય કે જીત, તે સમય બતાવશે, પરંતું લોક્સભામાં બૂથ પર સૌથી વધુ મતદારો ચૈતર વસાવાની વિધાનસભા બેઠક ખેંચી લાવી છે.
ભરૂચ લોક્સભામાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની સીધી ટક્કર આપ-કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા છે. ચૈતર વસાવા ગત વિધાનસભાની ચૂંટણીમાં ડેડીયાપાડામાં આપના ઉમેદવાર હતા, અને જંગી બહુમતીથી જીત્યા હતા. ત્યારે ડેડીયાપાડામાં થયેલું બમ્પર મતદાન રાજકીય ગણિત ઊંધું પાડી શકે છે.
ડેડીયાપાડાની વાત કરીએ તો, વર્ષ ૨૦૧૯ ની લોક્સભા ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ભરૂચ બેઠકની ડેડીયાપાડામાં ૮૫.૦૧ ટકા થયું હતુ. તો વર્ષ ૨૦૧૪ ની લોક્સભામાં પણ ડેડીયાપાડામાં જ સૌથી વધુ ૮૫.૩૯ ટકા મતદાન થયું હતું. હવે વાત વિધાનસભા બેઠકની કરીએ તો, વર્ષ ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં પણ અહીં ૮૩.૫૬ ટકા મતદાન થયું હતું.
ડેડીયાપાડાના બમ્પર મતદાનથી રાજકીય વિશ્લેષકો માની રહ્યાં છે કે, આ મતદાન ચૈતર વસાવાના તરફેણમાં થયું હોઈ શકે છે. સાથે જ ચૈતર વસાવા જે રીતે ગત વિધાનસભાથી આદિવાસી હીરો તરીકેની છાપથી ઉભરી આવ્યા છે. તેમની પોપ્યુલારિટી આ વિસ્તારમાં વધારે છે. આ ઉપરાંત મનસુખ વસાવાનો બેફામ વાણીવિલાસ પણ ભાજપને નડી શકે છે. એવુ પણ કહેવાય છે કે, ચૈતર વસાવાની ડેડીયાપાડામાં બૂથ લેવલ પર સ્ટ્રોંગ કામગીરી છે.