લોકસભાની ચુંટણીમાંં મતદાન કરવાના પ્રયાસમાંં પાલિકા સભ્યો વોર્ડની સફાઈ કામગીરી ભુલ્યા પરવાર ગંદકીનું સામ્રાજય

દાહોદ,આગામી લોકસભાની સાતમી મેના રોજ યોજાનારી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરાવવાના પ્રયાસોમાં દાહોદ નગરપાલિકાના તમામ કાઉન્સિલરો પોતાના વોર્ડની સફાઈનો મામલો બિલકુલ ભૂલી ગયા હોય તેવું દાહોદના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળતી ગંદકી પરથી પ્રતીત થઈ રહ્યું છે.

શહેરના ગૌશાળા નજીકના ભીલવાડા વિસ્તારમાં ઘણા લાંબા સમયથી ગંદકીથી ખદબદતી ગટરને કારણે નર્કાગાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જે આ વિસ્તારમાં રોગચાળાને વધુ વેગ આપતી સાબિત થઈ રહી છે.

દાહોદ શહેરમાં ગંદકીને કારણે મચ્છરનો ઉપદ્રવ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. આ મામલો અવારનવાર અખબારની સુરખી બની સમાચાર રૂપે ચમકતો રહેતો હોવાથી પાલિકા તંત્ર દ્વારા એક્શનમાં આવી શહેરના કેટલાક ન્યુસન્સ પોઈન્ટો ઉપર વિશે ધ્યાન આપવામાં આવતા સફાઈના મામલામાં કેટલાક અંશે સુધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના ગૌશાળા નજીક આવેલ ભીલવાડા વિસ્તારમાં બબ્બે ધર્મસ્થાનો આવેલ હોવા છતાં અને દર્શનાર્થીઓની રોજ અવરજવર રહેતી હોવા છતાં ઘણા લાંબા સમયથી આ વિસ્તારમા દુર્ગંધ મારતી ગંદકીથી ખદબદતી ગટર તેમજ ગટરની આસપાસ થયેલા કચરાના ઢગ યથાવત રહેવાને કારણે આ વિસ્તારમાં પણ મચ્છરનો ઉપદ્રવ ચરમ સીમાએ રહેતા ભયંકર રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. આ વિસ્તારની ગંદકીથી ખદબદતી ગટર તથા ગટરની આસપાસના કચરાના ઢગના મામલે અખબારી માધ્યમ દ્વારા પાલિકા તંત્રના સત્તાધીશોના કાન અવારનવાર આમળવામાં આવ્યા હોવા છતાં સ્થાનિક તંત્રના સત્તાધિશો પર તેની કોઈ અસર ન થતા આજે ઘણા લાંબા સમય છતાં ભીલવાડાની આ દારૂણ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. આ વિસ્તારમાં રામદ્વારા મંદિર તથા વિશ્ર્વકર્મા મંદિર જેવા બબ્બે ધાર્મિક સ્થાનો આવેલા છે. જે ધાર્મિક સ્થાને દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓને પણ તે રસ્તેથી પસાર થતા નાકે રૂમાલ દબાવવા મજબૂર થવું પડે છે. હાલ પાલિકાના તમામ કાઉન્સિલરો વોર્ડ વાઈસ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં વ્યસ્ત બન્યા છે. ત્યારે તે કાઉન્સિલરો ઘરે ઘરે લોક સંપર્ક માટે આ વિસ્તારમાં પણ ચોક્કસ ગયા હશે. તો તેઓને આ વિસ્તારની ગંદકીથી ખદબદતી નર્કાગાર સમી ગટર તેમજ તે ગટરની આસપાસના કચરાના ઢગ જોવા તો જરૂર મળ્યા હશે. પરંતુ તે પ્રત્યે તેઓએ આંખ આડા કાન કર્યા હશે. કારણ કે તેઓને હાલ પ્રજાના વોટની જરૂર છે. પ્રજાને સુવિધા પ્રદાન કરવામાં કોઈ રસ નથી તેવું ફલિત થઈ રહ્યું છે. આ વિસ્તારમાં ગંદકીથી ખદબદતી દુર્ગંધ મારતી ગટરની ગંદકી તથા તેની આસપાસના કચરાના ઢગ હટાવી તે જગ્યા સાફ સુથરી બનાવવાની તસ્દી પાલિકાના સત્તાધીશો દ્વારા ક્યારે લેવામા આવશે તે હવે જોવું રહ્યું !!!

આ વીસ્તારમાં આવેલ બે ઘર્મિક સ્થળ એક વિશ્ર્વાકર્મા મંદિર કે જેના અગલી ટર્મમાં અઢી વર્ષ નગર પાલીકાના પ્રમુખ પંચાલ સમાજના રહીં ચુક્યા પરંતુ કોઈ સફાઈના મુદ્દે કોઈ વખત પોતે સફાઈ મુદ્દે ઇન્ટ્રેસ લીઘો હોય તો આજે આવી સમસ્યા જોવા મળતી નહી.

બીજું ઘર્મ સ્થળ રામદ્વારા મંદિર જેના પણ ટ્રસ્ટી તરીકે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી કે જેના પોતે ઉચ્ચહોદ્દા પર છે અને તેવો પણ નગર પાલીકાના પ્રમુખ રહીં ચુક્યા છે.

આજે મોદીના રાજમાં રામ રાજ્ય કહેવાતું હોય તો પછી આવા ઘર્મિક સ્થળોના ઉપર નેતા અને ઉચ્ચ હોદ્દેદારોની નજર ક્યારે પડશે.