લોક્સભામાં ઉત્તર પ્રદેશની બાદશાહ, ૫૫ વર્ષમાં ત્રીજી વખત એક જ રાજ્યમાંથી વડાપ્રધાન અને નેતા વિપક્ષ

લોક્સભાના ઈતિહાસમાં ઉત્તર પ્રદેશ રાજ્યનું એક અલગ જ સ્થાન રહ્યું છે. કહેવામાં આવે છે તે, દિલ્હીનો રસ્તો, ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે. ત્યારે ૧૮મી લોક્સભાના પ્રથમ સત્રના ત્રીજા દિવસે ઉત્તર પ્રદેશ તેનો સાડા પાંચ દાયકા જૂનો ઈતિહાસ દોહરાવા જઈ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ગઈકાલે રાત્રે જાહેરાત કરી હતી કે, રાહુલ ગાંધી નેતા પ્રતિપક્ષની જવાબદારી સંભાળશે. ત્યારે દેશના ઈતિહાસમાં ત્રીજી વખત હશે જ્યારે દેશના વડાપ્રધાન અને નેતા વિપક્ષનું સંસદીય ક્ષેત્ર એક જ રાજ્યમાંથી હશે.

ઉત્તર પ્રદેશના વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંસદ છે જ્યારે લીડર ઓફ અપોઝિશન એટલે કે નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ છે. અગાઉ, માત્ર બે વખત જ આવું થયું છે જ્યારે નેતા વિપક્ષ અને વડાપ્રધાન એક રાજ્યના સંસદીય ક્ષેત્રમાંથી હોય.

વર્ષ ૧૯૫૨થી આજ સુધી બે જ વખત આવું થયું છે જ્યારે દેશના વડાપ્રધાન અને લોક્સભામાં નેતા વિપક્ષ એક જ રાજ્યના હોય. વર્ષ ૧૯૬૯ સુધી લોક્સભામાં વિપક્ષના નેતાને સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો ન હતો.

વર્ષ ૧૯૮૯માં ઉત્તર પ્રદેશના ફતેહપુર લોક્સભા બેઠકથી જીતનાર વિશ્ર્વનાથ પ્રતાપ સિંહ દેશના વડાપ્રધાન બન્યા હતા જ્યારે અમેઠીથી કોંગ્રેસ સાંસદ રાજીવ ગાંધી નેતા વિપક્ષ બન્યા હતા. આના ૧૦ વર્ષ પછી લખનૌથી ચૂંટણી જીતનાર અટલ બિહાર વાજપેયી પીએમ બન્યા હતા જ્યારે અમેઠીના સાંસદ સોનિયા ગાંધીએ નેતા વિપક્ષની જવાબદારી સંભાળી હતી.