લોક્સભામાં કોંગ્રેસની સેન્ચૂરી પૂરી, અપક્ષ સાંસદે ટેકો જાહેર કર્યો

અપક્ષ સાંસદના સમર્થન બાદ કોંગ્રેસ પાર્ટીએ લોક્સભા ચૂંટણીમાં પોતાની સદી પૂરી કરી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના દમ પર ૯૯ બેઠકો મેળવવામાં સફળ રહી હતી. મહારાષ્ટ્રની સાંગલી સીટ પરથી જીતેલા અપક્ષ ઉમેદવાર વિશાલ પાટીલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા અને તેમને સમર્થન આપ્યું. આ સાથે ઈન્ડિયા ગઠબંધનને મોટો ફાયદો થયો છે અને તેમનો આંકડો વધીને ૨૩૫ બેઠકોનો થઈ ગયો છે.

તેમણે કોંગ્રેસ અધ્યક્ષને પોતાનો સમર્થન પત્ર સુપરત કર્યો છે. પાટીલ પહેલાથી જ કોંગ્રેસની ટિકિટ પર આ સીટ પરથી ચૂંટણી લડવા માંગતા હતા. જો કે સીટ વહેંચણીમાં ઉદ્ધવ ઠાકરેને આ સીટ મળી હતી. ત્યારપછી તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવી પડી હતી.

પાટીલે સાંગલી બેઠક પર એક લાખથી વધુ મતોથી જીત મેળવી છે. આ બેઠક પર ભાજપે ફરી સંજય કાકા પાટીલને ટિકિટ આપી હતી. તેઓ પહેલાથી જ અહીંથી સાંસદ હતા. જ્યારે શિવસેના યુબીટીએ આ બેઠક પર ચંદ્રહર પાટીલને ટિકિટ આપી હતી. કોંગ્રેસે છેલ્લી બે ચૂંટણીની સરખામણીમાં લોક્સભા ચૂંટણીમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. વર્ષ ૨૦૧૪માં કોંગ્રેસ પાર્ટીને માત્ર ૪૪ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે ૨૦૧૯માં કોંગ્રેસને ૫૨ બેઠકો મળી હતી.

આ લોક્સભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનને કુલ ૨૩૪ સીટો જીતી છે. ભાજપને ૨૦૧૯ની સરખામણીમાં ૧.૧ ટકા મતોનું નુક્સાન થયું છે. ૨૦૧૪ની સરખામણીમાં ભાજપનો વોટ શેર વધ્યો છે, છતાં તેણે સીટો ગુમાવી છે. ૨૦૧૪ની સરખામણીમાં આ વખતે ભાજપને ૪૨ બેઠકો ઓછી મળી છે. ઈન્ડિયા ગઠબંધનમાં ઓછા વિખેરાયેલા મતોને કારણે ભાજપે બેઠકો ગુમાવી છે. આ સાથે જ ભાજપના કોંગ્રેસ મુક્ત ભારતના સપનાને પણ જોરદાર ફટકો પડ્યો છે.