નવીદિલ્હી,એક તરફ, ગુજરાત સહિત દેશભરમાં પક્ષપલટાનો દોર જામ્યો છે. બીજી તરફ, લોક્સભાની ચૂંટણીને ટિકીટના દાવેદારોને લઇને રાજકીય અટકળોનો દોર શરૂ થયો છે. રાજ્યસભાના ચારેય ઉમેદવારો જાહેર થયા બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રુપાલાનું શું થશે તે લઇને ચર્ચા જામી છે. એવી ચર્ચા છે કે, મનસુખ માંડવિયા માટે ભાવનગર-અમરેલી ઉપરાંત પોરબંદર એમ ત્રણેક બેઠકો પૈકી કોઇ એક બેઠક પરથી ચૂંટણી લડી શકે છે જયારે અન્ય કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ડો.મહેન્દ્ર મુંજપરાને રિપિટ નહી કરાય.
ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની ચાર બેઠકો માટે ઉંમેદવારો ઘોષત કરાયા છે જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પુરષોત્તમ રુપાલાને રિપિટ કરાયા નથી. આ જોતાં બંને કેન્દ્રીય મંત્રીઓ હવે શું થશે? તે અંગે અટકળો શરૃ થઇ છે. સૂત્રોના મતે, મનસુખ માંડવિયાનું પાટીદારોમાં પ્રભુત્વ છે સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના ગણાય છે પરિણામે ભાજપ હાઇકમાન્ડ તેમને લોક્સભાની ચૂંટણી લડાવે તેવી પૂરેપુરી શક્યતા જોવાઇ રહી છે. માંડવિયા માટે ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત અમરેલી અને પોરબંદર બેઠક પરથી પણ ચૂંટણી મેદાને ઉતરી શકે છે. માંવડિયાનુ ચૂંટણી લડવુ લગભગ નક્કી છે.
આ તરફ, પુરુષોતમ રુપાલાની ઉંમરને જોતાં લોક્સભાની ચૂંટણી લડે તેવી શક્યતા ઓછી છે. રુપાલાને ભાજપના સંગઠનમાં ગોઠવવા કવાયત ચાલી રહી છે. તેમના સ્થાને અન્ય પાટીદાર નેતાને ચૂંટણી લડાવવાની ભાજપની ગણતરી છે જેથી અંદરખાને પાટીદાર ઉમેદવારની શોધ પણ થઇ ચૂકી છે. આ બાજુ, કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને ટિકીટ નહી અપાય. તેમના સ્થાને અન્ય ઓબીસી આગેવાનને મય ગુજરાતમાંથી ચૂંટણી મેદાને ઉતારવા નક્કી કરાયુ છે. સાથે સાથે કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાને પણ રિપિટ નહી કરાય. તેમના પર્ફમન્સથી ખુદ મોદી ખુશ નથી. આ જોતાં આ બંને મંત્રીઓના પત્તા પણ કપાય તે વાત નક્કી છે. સુરતમાંથી ગોવિંદ ધોળકિયાની રાજ્યસભાના સભ્યપદે પસંદ કરાયા છે ત્યારે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશને હાલ હાશકારો થયો છે. ભાજપ હાઇકમાન્ડે ગોવિંદ ધોળકિયાને લોક્સભાની ચૂંટણી લડાવવાનુ નક્કી કર્યુ હતુ પણ છેલ્લી ઘડીએ તેમની પસંદગી રાજ્યસભા માટે કરાઇ છે ત્યારે હાલ દર્શના જરદોશ માટે લોક્સભાની ચૂંટણી લડવા માટે માર્ગ મોકળો થયો છે. આમ, લોક્સભાની ચૂંટણીમાં ૨૬ પૈકી ૨૬ બેઠકો જીતબ્નો લક્ષ્યાંક હોવાથી ભાજપ જરાયે જોખમ ખેડવા માંગતી નથી. આ કારણોસર રાજકીય સમીકરણના સોગઠા ગોઠવી નવા-યુવા ચહેરાઓને ઉમેદવાર તરીકે તક આપશે તે નક્કી છે.